અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના બની છે. શહેરમાં રૂપિયા 40 લાખની લૂંટની ઘટના બની છે. આ લૂંટનો બનાવ એસ.જી.હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબની સામે બન્યો છે. જેને લઈને આસપાસમાં ભારે ચકચાર મચી ગઈ છે.
બે શખ્સો રૂપિયા 40 લાખ લઈ ફરાર થઈ ગયા
બાઈક પર આવેલા બે શખ્સો રૂપિયા 40 લાખ લઈ ફરાર થઈ ગયા છે. સીમા હોલ પાસેથી આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને એક શખ્સો જતો હતો અને તેની ગાડીમાંથી આ બે બાઈક સવાર રૂપિયા લૂંટીને રફુચક્કર થઈ ગયા હતા. જો કે આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસ આસપાસમાં આવેલા સીસીટીવી તપાસવામાં લાગી
હાલમાં પોલીસ આસપાસમાં આવેલા તમામ સીસીટીવી તપાસી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે તમામ પ્રકારના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ આંગડિયા પેઢીની આ કારનો પીછો કોઈ રીતે કરવામાં આવી રહ્યો હોવની પણ શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. ત્યારે હવે શહેરમાં ફરી એક વખત સુરક્ષાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે.
શહેરમાં અગાઉ પણ બની ચૂકી છે લૂંટની ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં લૂંટની ઘટનાઓ બની ચૂકી છે અને પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. આ પહેલા શહેરના પાલડી વિસ્તારમાં પણ આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો, જો કે પોલીસે કડક તપાસ આદરીને આ લૂંટ ચલાવનારા આરોપીની ધરપકડ કરી હતી અને લૂંટના પૈસા પણ આરોપીઓ પાસેથી રિક્વર કર્યા હતા.