સુરતમાં PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન

0

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન કરવામાં આવ્યું હતું. લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ સંજય વિનુભાઈ મુંજપરાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઇન્ડેડ સંજયના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી હતી.

લિવર સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોચાડાયું હતું. લિવર સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોચાડવા માટે ખાનગી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામા આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 105 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતો. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશ ના કુલ એક હજાર સીતેર થી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી હતી. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

નિલેશ માંડલેવાળાએ જણાવ્યું હતું કે, સંજય વિનુભાઈ મુંજપરા મૂળ ગામ–કેરીયા, તા. લાઠી જી. અમરેલીના રહેવાસી અને હાલમાં 501 શાલીગ્રામ ફ્લોરા, પાસોદરા પાટિયા, નવાગામ, કામરેજ ખાતે પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. તા. 15 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે પોતાની દુકાને જતી વખતે રસ્તામાં અચાનક બાઈક સ્લીપ થઈ જતા બેભાન થઇ ગયા હતા. અજાણ્યા વ્યક્તિએ સંજયભાઈને 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. 16 મી ના રોજ સંજયભાઈને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સંજયભાઈના પત્ની રીનાબેન, ભાઈ હરેશ, કાકા શશીકાંતભાઈ અને સવજીભાઈ, બનેવી વિપુલભાઈ અને મુંજપરા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતા. પીડિત રીનાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે, તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર રાખ જ થઇ જવાનું છે. ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો એની સંમતિ આપી હતી.

સંજયભાઈના પિતા વિનુભાઈ જેઓ ખેત મજુર છે, માતા મુકતાબેન, પત્ની રીનાબેન ઉ.વ 30, બે પુત્ર પૈકી એક પુત્ર ધ્રુવાન્સ ઉ.વ 4, જે.બી ડાયમંડ સ્કુલમાં સીનીયર કે. જી મા અભ્યાસ કરે છે. બીજો પુત્ર અંશ ઉ.વ 2.5 છે, જયારે ભાઈ હરેશ એલાઈટ ટેકનોલોજી સ્ક્રેટ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર છે.વધુમાં જણાવ્યુ હતું કે, પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને ફાળવવામાં આવ્યું. બે કિડની પૈકી એક કિડની સુરતની મેટાસ હોસ્પિટલને, બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, દાનમા મેળવવામા આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ડીસાના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં ડૉ. આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની મેટાસ હોસ્પીટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પીટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું છે. લિવર અને કિડની સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોચાડવા માટે ખાનગી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામા આવ્યો હતો.

વધુમાં ઉમેર્યું હતું કે, હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 105 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતો. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. સંજયભાઈ વિનુભાઈ મુંજપરા ઉ.વ. 34 ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કર્યા હતા. પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કર્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1170 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 482 કિડની, 208 લિવર, 48 હૃદય, 40 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 379 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1074 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *