ગુજરાતને ગૌરવ થાય એવી જાણીતી બ્રાંડ અમૂલને હવે વૈશ્વિક કક્ષાએ પણ એક આગવી ઓળખ મળી ગઈ છે. અમૂલ બ્રાંડને ડેરી ઉત્પાદન વેચતી ગુજરાત સહકારી દૂધ વિતરણ લિમિટેડ જીસીએમએમએફે શનિવારે જણાવ્યું કે, વેચાણને લીધે ગત વર્ષ-2023-24માં તેનો કારોબાર આઠ ટકા વધીને 59,445 કરોડ રૂપિયા થયો છે. સહકારી સમિતિએ પોતાની 50મી વાર્ષિક જનરલ બેઠક પછી એક નિવેદન બહાર પાડયું છે. GCMMFની ગોલ્ડન જ્યુબિલી વર્ષમાં સંગઠને કારોબારની વિગતો બહાર પાડી હતી.
વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ
બ્રાન્ડ અમૂલનું ગૃપ ટર્નઓવર 2022-23માં રૂપિયા 72,000 કરોડ (9 બિલિયન ડોલર)થી વધીને 2023-24માં રૂપિયા 80,000 કરોડ (10 બિલિયન) ડોલર થવાની ધારણા છે. બ્રિટન સ્થિત વિશ્વની અગ્રણી બ્રાન્ડ કન્સલ્ટન્સી, બ્રાન્ડ ફાયનાન્સ અનુસાર, અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અને સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જીસીએમએમએફએ જણાવ્યું હતું કે તે વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી છે, જેમાં ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખ ખેડૂતો તેની સાથે સંકળાયેલા છે. તેના 18 સભ્ય સંઘો દરરોજ 300 લાખ લિટર દૂધ ખરીદે છે. GCMMFના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે, “GCMMFએ તેના સુવર્ણ જયંતિ વર્ષમાં વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ તરીકે ઉભરી આવવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.”
ગુજરાતના એક નાનકડા શહેરમાંથી શરૂઆત કરી
અમૂલ બ્રાન્ડની મૂળ કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડનું મુખ્ય મથક આણંદ, ગુજરાતમાં છે. તે અમદાવાદથી આશરે 100 કિલોમીટર દૂર એક નાનું શહેર છે. તેને દેશની દૂધની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. અમૂલની બ્રાન્ડની સ્થાપના વર્ષ01946માં થઈ હતી. તે સમયે ગુજરાતમાં માત્ર એક જ પોલ્સન ડેરી હતી. ધીમે-ધીમે અમૂલ બ્રાંડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ ફેલાઈ ગઈ છે.