રાજ્યમાં ફરી એક વખત લીલા ગાંજાની ખેતી ઝડપાઈ છે. અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ છે. અમરેલી SOGની ટીમે તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું છે અને આરોપીની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી SOGની ટીમે આરોપી રમેશ વેકરિયાની કરી ધરપકડ
ધારીના નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અરજનભાઈ વેકરિયાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ખેડૂતે ખેતરમાં તુવેરની આડમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. અમરેલી SOGની ટીમને રેડ દરમ્યાન મોટી સફળતા મળી છે અને ગાંજાનું વાવેતર કરનારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું
તમને જણાવી દઈએ કે 3 દિવસ પહેલા પણ સુરેન્દ્રનગરમાં ડ્રોન કેમેરાથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. જેમાં ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતુ અને ધજાળાના નવાગામની સીમમાંથી આ વાવેતર ઝડપાયું હતું. LCBએ માલા ડાભી નામના શખ્સને 1.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગાંજાનું વાવેતર ઝડપ્યું
સુરેન્દ્રનગર LCBની ટીમે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને આ ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતું. આ વાવેતર કપસાની આડમાં કરવામાં આવેલું હતુ તેવી માહિતી પોલીસને મળી હતી તો પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી અને ગાંજાના છોડ ઝડપી પાડયા હતા. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાં ચેક કર્યુ તો કપાસની વચ્ચોવચ ગાંજાનું વાવેતર કેમેરામાં જોવા મળ્યું હતું, જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજાનું વધારે પ્રમાણમાં વાવેતર થાય છે અને તેને લઈને પોલીસ પણ સતર્ક છે, સાથે સાથે પોલીસ દ્વારા અલગ-અલગ ખેતરોમાં તપાસ પણ કરવામાં આવે છે. જે વ્યકિતઓ ગાંજાનું વાવેતર કરે છે, તેમની સામે ગુનો પણ નોંધવામાં આવે છે. મહત્વનું છે કે અન્ય પાકની સાથે આ ગાંજાનું વાવેતર કરવાની નવી મોડસ ઓપરેન્ડી હાલમાં સામે આવી છે, જેને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.