અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચો બ્રિજ બનાવવા પાછળ કરી રહ્યું છે, પરંતુ એ બાદ બ્રિજ પર જાળી નહીં લગાવવાના કારણે 10 વર્ષમાં 9 લોકોએ બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરી છે, તેમ છતાં AMCના પેટનું પાણી હલતું નથી.
આત્મહત્યા માટે કાંકરિયા તળાવ હોટ સ્પોટ હતું
નદી પર રહેલા બ્રિજ પર જાળી લગાવવાના કારણે બ્રિજ પરથી કૂદી આત્મહત્યાના બનાવો હવે નહિવત બની ગયા છે, પરંતુ તંત્ર શહેરના અન્ય બ્રિજ પર જાળી લગાવતું નથી. અમદાવાદ શહેરમાં પહેલા આત્મહત્યા માટે કાંકરિયા તળાવ હોટ સ્પોટ હતું, પરંતુ તેનો વિકાસ થયો અને લોકોએ હોટ સ્પોટ બદલ્યું અને લોકો સાબરમતી નદી પરથી કૂદી જીવ ગુમાવી દેતા હતા અને હવે ત્યાં જાળી લગાવી દેવાના કારણે શહેરના અન્ય બ્રિજથી પરથી કૂદી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.
AMCએ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 440 કરોડના ખર્ચે 8 બ્રિજ બનાવ્યા
જીહા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકો બ્રિજ પરથી કૂદી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો AMC દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 440 કરોડના ખર્ચે 8 બ્રિજ બનાવ્યા. પરંતુ તે બ્રિજ પર જાળી લગાવવામાં આળસ કરી અને છેલ્લા 10 વર્ષમાં આ બ્રિજો પરથી લોકોએ કૂદીને આત્મહત્યા કરી. એક બ્રિજ પર જાળી લગાવવાનો ખર્ચ આશરે 5થી 10 લાખ થાય છે, પરંતુ કરોડોનો ખર્ચે બ્રિજ બનાવ્યા બાદ શહેરીજનોના હિત મટે તંત્ર પાસે સામાન્ય રકમ નથી.
જાળી લગાવ્યા બાદ હવે કોલમાં 50 ટકાનો ઘટાડો: ફાયર વિભાગ
AMC ફાયર વિભાગ દ્વારા વર્ષ 2014માં રેસ્ક્યુ ટીમની રચના કરી અને સાબરમતીમાં લોકો જીવ ગુમાવી રહ્યા હતા તેને બચાવવાની કામગીરી શરુ કરી. જ્યારે નદી પર રહેલા બ્રિજ પર 2018માં જાળીઓ લગાવી અને આ 4 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી કૂદી આત્મહત્યાના કંટ્રોલમાં વાર્ષિક 300થી 350 કોલ આવતા હતા, પરંતુ જાળી લગાવ્યા બાદ હવે કોલમાં 50 ટકાનો ઘટાડો થયો છે અને બ્રિજ પરથી કૂદી શકે તે સ્થિતિમાં ના હોવાના કારણે હવે લોકો બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરતા હોવાનો વાર્ષિક એકાદ કોલ આવી રહ્યો છે.
બ્રિજની જાળી પર કોઈ ચઢે તો રાહદારી કે વાહન ચાલક તેને બચાવી લે છે
રેસ્ક્યુ અધિકારી કહી રહ્યા છે કે વાર્ષિક એકાદ કોલ હોય છે અને બ્રિજની જાળી પર કોઈ ચઢે તો રાહદારી કે વાહન ચાલક તેને તરત બચાવી લે છે અને ફાયર વિભાગને જાણ કરી દે છે એટલે તરત જ તેને બચાવી લેવામાં આવે છે, જેથી બ્રિજ પર જાળી હોવી ખુબ જરૂરી છે. જ્યારે બ્રિજ પર જાળી નહોતી, ત્યારે સૌથી વધારે એલિસબ્રિજ પરથી વાર્ષિક 80 જેટલા તો ચંદ્રનગર બ્રિજ પરથી વાર્ષિક 40 જેટલા લોકો કૂદીને આત્મહત્યા કરી લેતા હતા.
ત્યારે કરોડો રૂપિયા AMC તાયફાઓ પાછળ ખર્ચ કરે છે, પરંતુ શહેરમાં બ્રિજ બનાવે છે તેમાં જાળીઓ લગાવવા પાછળ નથી કરતુ. જેના કારણે લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે, ત્યારે તંત્ર ખોટા ખર્ચ ઘટાડી યોગ્ય જગ્યાએ ખર્ચ કરે તો ચોક્કસ લોકોને બચાવી શકાય છે.