શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે દેશ વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે, ત્યારે અંબાજી ગામનો સંપૂર્ણ વહીવટ અંબાજી ગ્રામ પંચાયત હસ્તક ચાલે છે. અંબાજી ગ્રામ પંચાયતમાં હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે.
વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી
ત્યારે પ્રજાના પ્રતિનિધિ ન હોવાના લીધે ગામના લોકોને ભારે હેરાનગતિ અને સમસ્યા નડી રહી છે, ત્યારે આજે ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતની સૌથી મોટી પંચાયત ગણાતી અંબાજી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન વહીવટદાર અને સેક્રેટરી, ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં થયું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ મુદ્દે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી
આગામી દિવસોમાં અંબાજી કોરિડોરની કામગીરી શરૂ થવાની છે, ત્યારે તેની મીટીંગ ગુપ્ત રીતે થઈ રહી છે અને તેની સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. તેને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહે છે, ત્યારે અંબાજી ભાજપના આગેવાન દ્વારા આજે અંબાજી ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાવવામાં આવ્યો હતો અને તે ઠરાવની કોપી મુખ્યમંત્રી, વડાપ્રધાન સુધી મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.
સફાઈ કર્મીઓનું ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું
અંબાજીના સમાજસેવક જીતુભાઈ મહેતા દ્વારા અંબાજી કોરિડોરની કામગીરીના ઠરાવને સમર્થન આપવામાં આવ્યું હતું અને અંબાજીના વિકાસ માટે ગરીબોના ઘર અને કોઈ મિલકત તૂટે તો ગ્રામજનોને તેનું વળતર મળે અને અંબાજી કોરિડોરના નકશાઓ અને તેના સૂચિત પ્લાન અને તેના સુધારા વધારા ગ્રામ પંચાયત કચેરી અને બીજી કચેરી ખાતે મુકવા જોઈએ, જેના કારણે લોકોને આસાની રહે. ત્યારે આજે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સફાઈ કર્મીઓનું ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરમાં ભક્તોની પાવડી શરૂ થઈ
30 સપ્ટેમ્બરથી જ અંબાજી મંદિરમાં ભક્તોની પાવડી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ભાદરવી મેળા અગાઉ રેલિંગ લગાવી દેવામાં આવી હતી પણ હવે મંદિર ખુલતા રેલિંગ હટાવવામાં આવી છે. ત્યારે રેલિંગ હટાવાતા માઈભક્તોમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને પાવડી અને ચરણામૃત મળતા ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે.