અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ પટ્ટાનો સમતોલ વિકાસ કરવાની નેમ સાથે શહેરના પૂર્વના વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે નાગરિકોને નવી નવી સુવિધા વિકસાવવામાં આવી રહી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા ખોખરા વોર્ડમાં રૂ. 3 કરોડ, 87 લાખથી વધુના ખર્ચે આવકાર પાર્ટી પ્લોટ નજીક આવેલા જંક્શનને ‘આઈકોનિક જંક્શન’ તરીકે ડેવલપ કરવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે.
આ હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા પછી 9 મહિનામાં આ કામગીરી પૂરી કરવાની રહેશે. ખોખરામાં આવકાર પાર્ટી પ્લોટ પાસેના જંક્શનને આઈકોનિક જંક્શન તરીકે ડેવલપ કરવા માટે કોન્ટ્રાક્ટક માટે નક્કી કરાયેલી 9 મહિનાની મુદતમાં ચોમાસા સિવાયના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરમાં ખોખરાના આવકાર પાર્ટી પ્લોટ જંકશનને આઇકોનિક પબ્લિક પ્લેસ તરીકે વિકસાવવા મ્યુનિ.એ બહાર પાડેલા ટેન્ડર બાદ આ જગા રૂ.3.87 કરોડના ખર્ચે તૈયાર કરવાની દરખાસ્તને મંજૂર કરી છે. અંદાજીત કિંમત કરતાં 24 ટકા વધારે રકમ સાથે આ સિંગલ ટેન્ડરને મ્યુનિ.એ મંજૂર કર્યું છે. કામગીરી સોંપાયાના 9 માસમાં કામ પૂરું કરવા માટે ટેન્ડરમાં જોગવાઇ કરી છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ આ કામગીરી કરાશે. આ વિસ્તારમાં વિકાસ માટે આવી કામગીરી જરૂરી હોવાની દરખાસ્ત બાદ મ્યુનિ.એ તેને લગતી દરખાસ્ત મગાવી હતી. જેમાં સિંગલ ટેન્ડરર મહાવીર ઇન્ફ્રા એન્જિનિયરિંગને આ કામ સોંપવાનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે.