સુભાષબ્રિજ આરટીઓમાં વાહન ચાલકો ધક્કે ચઢયા છે. વાહનના 15 વર્ષ પૂરા થતાં પહેલા વાહનના રિ રજિસ્ટ્રેશન માટે એકથી બે દિવસના બદલે સપ્તાહ પછી એપોઇન્ટમેન્ટ મળતાં લોકો પરેશાન થઇ ગયા છે. 15 વર્ષ પૂરા થઇ જાય તો વાહન માલિકને એકવારના રૂપિયા 500નો વધારાનો ચાર્જ ભરવો પડે છે.
આરટીઓ અધિકારીઓએ કહ્યું કે, એપોઇન્ટમેન્ટમાં ઘટાડો કરાયો નથી. કદાચ રસ વધી ગયો હોય તો આ સ્થિતી સર્જાઇ શકે. આમ છતાં તપાસ કરીને ઝડપથી નિકાલ કરાશે. વાહન માલિકોએ વાહનની વેલિડિટીના એક મહિના પહેલા જ પ્રોસેસ કરાવી દેવી જોઇએ. જેથી કરીને બિનજરુરી હેરાનગતિ ના રહે. હાલ આરટીઓમાં રોજના 50 વાહન માલિકો રિ રજિસ્ટ્રેશન માટે આવે છે. અગાઉ 15 વર્ષ પૂરા થવા આવતાં હોય તેવા વાહન માલિકોને બે દિવસમાં જ રિ રજિસ્ટ્રેશનની તારીખ મળી જતી હતી. ઉલ્લેખનીય છેકે, વાહનના 15 વર્ષ પૂરા થવા આવતાં હોય તેવા વાહન ચાલકોએ તે પહેલા પ્રોસેસ કરાવી દેવી પડે છે. નહિ તો રૂપિયાનો વધારાનો ચાર્જ ભરવો પડે છે. છેલ્લા 15 જ દિવસમાં સમયસર એપોઇન્ટમેન્ટ નહીં મળવાના લીધે 10 ટકા લોકોને બિનજરૂરી રૂપિયા 500નો ચાર્જ ભરવો પડયો છે.