દિવાળી સુધારવા માટે પોતાના જ માલિકને ત્યાં ચોરી કરનાર ચોરોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ચોરોએ માણેકચોકની જવેલર્સની દુકાનમાં લાખો રૂપિયાની ચોરીને ચતુરાઈ પૂર્વક અંજામ આપ્યો હતો. ત્યારે કેવી રીતે કરી હતી ચોરી જોઈએ આ રિપોર્ટમાં.
52 લાખ રૂપિયાની કરી હતી ચોરી
ક્રાઈમબ્રાન્ચે આરોપી સંજય વૈષ્ણવ અને શૈલેષ ઉર્ફે લાલો જાદવની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. પકડાયેલા બે આરોપી સહિત વોન્ટેડ આરોપી શિન્ટુ ઉર્ફે બંગાળી ચક્રવતી ભેગા મળી માણેકચોકની શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાન પાછળ બાથરૂમની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કરીને સોનાની લગડી અને રોકડ મળી 52 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
અન્ય એક આરોપી થયો ફરાર
આ સાથે જ આરોપીઓએ ચોરેલી સોનાની 6 લગડી અને રોકડ રકમ મળી કુલ 48.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે ચોરી કરનાર 3 આરોપીઓમાંથી શિન્ટુ ચક્રવર્તી નામનો આરોપી બંગાળ ફરાર થઈ ગયો છે, જેને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને ખાડિયા પોલીસને સોંપ્યા
પકડાયેલા આરોપી માણેકચોકની અલગ-અલગ જ્વેલર્સની દુકાનમાં સોનાની છૂટક મજૂરીનું કામ કરતા હતા. આ આરોપીઓ માર્કેટમાં જ કામ કરતા હતા અને આ જ કારણથી CCTV ફૂટેજમાં ક્યાંય આવી ન જાય તે માટે આરોપીઓએ શ્રી ગોલ્ડ આર્ટની દુકાનમાં બાથરૂમની ગ્રિલ તોડી પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. ત્રણેય આરોપીએ ચોરી કરી મુદ્દામાલનો સરખો ભાગ પાડી દીધો હતો. જેમાં બે આરોપી પોતાની ચોરીનું સોનું વેચે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. હાલ આરોપીઓ સામે અન્ય કોઈ ગુનો દાખલ થયેલો છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને ખાડિયા પોલીસને સોંપ્યા છે.