મ્યુનિ.કોર્પોરેશન રસ્તા પર વૃક્ષોના ઉછેર માટે દરવર્ષે લાખો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ વૃક્ષોનો ઉછેર થાય છેકે, નહીં ? તે ચકાસવા માટે ગાર્ડન વિભાગ કોઇ તસ્દી પણ લેતું નથી. ગાર્ડના વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર હેઠળ વૃક્ષો અને ઝાડ કાપવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.
જે મ્યુનિ.કમિશનરના ધ્યાનમાં આવતા બુધવારની રીવ્યૂ મિટીંગમાં ગાર્ડના વિભાના અધિકારીઓને કહ્યું કે, બોર્ડ દેખાય માટે વૃક્ષો કાપતી જાહેરાત એજન્સીઓ સામે કાર્યવાહી કરો. નહિતો તમારી સામે પગલાં ભરાશે. લોક ફરિયાદોને લઇને રીવ્યૂ મિટીંગમાં કમિશનર બગડયા અને ડેપ્યુટી કમિશનરો ઝોન કક્ષાએ શું કરે છે ? તેવો વેધક પ્રશ્ન પૂછતા મિટીંગમાં સોંપો પડી ગયો હતો.
કમિશનરે ગાર્ડન વિભાગના અધિકારીઓને ખખડવાતા કહ્યું કે, શહેરમાં ડિવાઇડરની વચ્ચે લગાવેલા વૃક્ષો પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે. પછી જાહેર ખબરની એજન્સીઓ પોતાના જાહેરાતના બોર્ડ દેખાય નહીં એટલે વૃક્ષોને આડેધડ કાપીને નાશ કરી નાંખે છે. આ અંગે ગાર્ડન અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણકારી હોતી નથી ? કેમ પગલાં ભરાતા નથી ? જાહેરાતની વર્ષે 25 કરોડ ઓછી રકમ આવશે તો ચાલશે પણ એક પણ વૃક્ષ કપાવવું જોઇએ નહીં. જાહેરાત એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. કમિશનરે લાંબાગાળા પછી ઇ ગવર્નન્સ વિભાગના અધિકારીઓને આડેહાથ લેતા કહ્યું કે, તમારો વિભાગ ઇ ગવનન્સ નહીં પરંતુ સી ગવર્નન્સ બની ગયો છે. કોઇ પ્રકારના સોફટવેર કે મોનીટરીંગની સિસ્ટમ જ કરાઇ નથી. માત્ર સીસીટીવી કેમેરા લગાવી તેમાં ફોટો કેપ્ચર કરો છો, પરંતુ ગ્રીન નેટ વગર જતી ટ્રકો સામે કાર્યવાહી કરાતી નથી. જેતે ઝોનના અધિકારીઓને માહિતી પણ મોકલાતી નથી. યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. પ્રત્યેક મિટીંગમાં સ્વચ્છતા સર્વેક્ષણને લઇને યોજાયેલા પ્રેઝન્ટેશનને ટાંકવામાં આવે છે. આ મિટીંગમાં પણ પ્રેઝન્ટેશનને ટાંકતા કમિશનરે કહ્યું કે, પશ્ચિમ ઝોનમાં ફુટપાથનું લેવલ યોગ્ય નથી. રોડ રસ્તા સરખા નહીં હોવાથી ડેપ્યુટી ઇજનેર અને એડિશનલ સીટી ઇજનેરને પણ આડેહાથ લીધા હતાં. યોગ્ય ધ્યાન અપાતું નથી. અન્ય વિસ્તારોમાં પણ આજ સ્થિતી છે.