સુરત રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતાં મહિલા કોમર્શીયલ સુપરિન્ટેન્ડેન્ટ અને તેમના બેંક મનેજર પતિની એક કેસમાં સુરતના અલથાણા પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં જસ્ટિસ ઉમેશ ત્રિવેદી અને જસ્ટિસ સી.કે.રોયની ખંડપીઠે અલથાણા પોલીસમથકના જવાબદાર પોલીસ અધિકારી સામે કોર્ટના તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતા મહિને રાખી છે.
કન્ટેમ્પ્ટ પિટિશનમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અરજદાર સુરત રેલ્વે સ્ટેશન ખાતે કોમર્શિયલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જયારે તેમના પતિ બનાસકાંઠાના દિયોદર ખાતે બેંક મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં એક સામાન્ય બાબતને લઇ સુરતના અલથાણા પોલીસે તેઓ પતિ-પત્નીને બિનજરૂરી રીતે ખોટી હેરાનગતિ અને ત્રાસનો ભોગ બનાવ્યા હતા. જેમાં પોલીસે ખોટી રીતે આ દંપતીની ધરપકડ કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા.
અરજદારપક્ષ તરફ્થી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારો સુરત રહે છે ત્યાં પાડોશીનું કૂતરુ કરડવા બાબતે અરજદારપક્ષ દ્વારા પાડોશી વિરૂધ્ધ ફરિયાદ કરાઇ હતી. આ ફરિયાદના 11 દિવસ બાદ પાડોશીએ અરજદારો વિરુદ્ધ ગાળો આપ્યા સહિતની ખોટી રીતે ફરિયાદ નોંધાવાઇ હતી. આ ગુનો જામીન લાયક હોવાછતાં અને સાત વર્ષ સુધીની સજાના કેસમાં પોલીસ દ્વારા ધરપકડ ના થઇ શકે એ મતલબના સુપ્રીમકોર્ટના ચુકાદા અને પ્રસ્થાપિત સિધ્ધાંતો હોવાછતાં તેનો સરેઆમ ભંગ કરીને અલથાણ પોલીસમથકના એએસઆઇ યોગેશ શર્મા દ્વારા બંને પતિ-પત્નીની ખોટી રીતે ધરપકડ કરી તેઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા હતા., જયાં તેઓને કોર્ટમાંથી જામીન લેવા પડયા હતા.