અમદાવાદ રૂપિયા 40 લાખની લૂંટ કરનાર લૂંટારુઓનું પગેરું મેળવવા માટે સેંકડો CCTV ફૂટેજ તપાસ્યા પછી પોલીસને આરોપીઓ CCTVમાં દેખાયા છે. આનંદ નગર પોલીસ, ઝોન-7 LCB અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંખ્યાબંધ ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરને લૂંટી લેનાર બાઇક ચાલક બે લૂંટારુઓના CCTV ફૂટેજ મળ્યા છે. આંગડિયા ઓફિસથી લૂંટના સ્થળ કૌશલ્યા બંગલો સુધીના કેટલાક સીસીટીવીમાં લૂંટારુઓ કેમેરામાં કેદ થયા છે. હેલ્મેટ પહેરેલ બે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો હતો.
કારમાં પંક્ચર છે કહીને આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો
અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે શખ્સોએ કાર રોકીને કહ્યું કે, કારમાં પંચર છે. વેપારી ઉતરીને જોવા ગયો એટલીવારમાં કારમાં પડેલો થેલો લઈને બે શખ્સો રફૂચક્કર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી.
40 લાખનો ભરેલો થેલો લઈને અજાણ્યા શખસો ફરાર
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં શહેરમાં તહેવારોના કારણે અલગ-અલગ જગ્યાએ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એવા સમયે કર્ણાવતી ક્લબની સામેની તરફ સેટેલાઈટ બાજુ જતા રસ્તા પર એક ઇનોવા કારને રોકીને બે વાહનચાલકોએ કહ્યું હતું કે, કારમાં પંચર છે અને કારમાં બેઠેલા વ્યક્તિ નીચે ઉતરીને જોતા હતા તે સમયે જ કારમાં પડેલો 40 લાખ ભરેલો થેલો લઈને શખ્સો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચીને CCTV ચેક કર્યા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર બનાવ આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યાં ઝોન-7 DCP પહોંચ્યા છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. આ મામલે સમગ્ર વિસ્તારના CCTV ચેક કરવામાં આવ્યા હતા તેમજ પોલીસને એવી પણ શંકા છે કે, આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો.
આંગડિયા પેઢીથી જ પીછો કરતા હોવાની આશંકા
આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, હાલ લૂંટના બનાવની તપાસ માટે DCP કક્ષાના અધિકારી પહોંચ્યા છે. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળ્યો હતો, તેને રસ્તામાં પંચર થયું છે એવું કહીને કાર રોકીને બે શખ્સો બેગ લઈને જતા રહ્યા હોય તેવું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.