શાહપુરમાં લંડનથી આવેલા યુવકની હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવકની તેના મિત્રએ જ હત્યા કરી હતી. આરોપીની માતા વિશે બીભત્સ કોમેન્ટ કરવા બદલ મિત્રની હત્યા કરી દીધી હતી.
નિહાલ પટેલ લોહી લુહાણ હાલતમાં શાહપુર દરવાજા નજીક મળી આવ્યો હતો
આરોપી જય ઓઝાએ પોતાના મિત્ર નિહાર પટેલને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આરોપી જયની માતા વિશે નિહાલે બીભત્સ કોમેન્ટ કરી હતી, જેથી નિહાલની હત્યા કરી દીધી હતી. ઘટનાની વાત કરીએ તો 8 ડિસેમ્બરના રોજ નિહાલ પટેલ લોહી લુહાણ હાલતમાં શાહપુર દરવાજા નજીક મળી આવ્યો હતો. નિહાલને છરીના 3 જીવલેણ ઘા ઝીંક્યા હતા. વહેલી સવારે એક સ્થાનિક યુવકે નિહાલના પરિવારને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી અને એબ્યુલન્સમાં નિહાલ પટેલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
8મી તારીખની મોડી રાત્રે મૃતક નિહાલ, જય ઓઝા અને અન્ય એક મિત્ર શાહપુર દરવાજા પાસે બેઠા હતા, તેવામાં નિહાર દ્વારા જયની માતા વિશે કોઈ બીભત્સ કોમેન્ટ કરી હતી. જેની અદાવત રાખીને જયએ પોતાના ઘરે પડેલી છરી લઈને નિહાલ પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ જય ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેની મહેસાણાથી ધરપકડ કરી છે.
નિહાલ ચાર વર્ષ પહેલાં લંડન ગયો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જય શાહ મિત્ર નિહાલની હત્યા કર્યા બાદ સુરત, દિલ્હી તેમજ હરિદ્વાર નાસ્તો ફરતો હતો પણ હરિદ્વારથી મહેસાણા પોતાના ગામ નજીક આવતા જ શાહપુર અને એલ. સી.બી ટીમે પકડી પાડ્યો છે. મૃતક નિહાલ અને આરોપી જય ઓઝા શાહપુરમાં બાળપણના મિત્રો હતા. નિહાલ અને તેમનો પરિવાર ઘાટલોડિયા રહેવા જતા રહ્યા હતા. જ્યારે જય ઓઝા માતા સાથે રાણીપ રહેવા ગયો હતો. નિહાલ ચાર વર્ષ પહેલાં લંડન ગયો હતો, પરંતુ પિતાનું ઓપરેશન કરાવતા નિહાલ 5 ડિસેમ્બરના રોજ લંડનથી અમદાવાદ આવ્યો હતો અને શાહપુરમાં આવેલી પિતાની હરિ દર્શન અમુલ પાર્લરની દુકાનમાં સફાઈ કરવા ગયો હતો.
શાહપુર પોલીસે હત્યારા જય ઓઝાની ધરપકડ કરી
આ દરમ્યાન તેનો મિત્ર જય ઓઝા પણ મળવા આવ્યો હતો. બંન્ને મિત્રો વચ્ચે મજાક મસ્તી થતી હતી, ત્યારે નિહારે જયની માતાને વિશે અપશબ્દો બોલી અને માતાના ચારિત્ર્ય વિશેની ટિપ્પણી કરતા આરોપી જયને ખોટું લાગ્યું હતું અને બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ નિહાલ શાહપુર ચાર રસ્તા ઉભો હતો, ત્યારે જય છરી લઈને આવ્યો અને નિહાલ પર હુમલો કર્યો હતો. આ મામલે શાહપુર પોલીસે હત્યારા જય ઓઝાની ધરપકડ કરી અને કોર્ટમાં રિમાન્ડ મેળવામાં આવશે અને હત્યામાં વપરાયેલ છરી ફેંકી દીધી હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી જયની વધુ પૂછપરછ શરૂ કરી છે.