જૂની પેન્શન યોજનાને લઈ સરકાર દ્વારા માત્ર વાયદાઓ જ કરવામાં આવ્યા છે, સત્તાવાર કોઈ ઠરાવ ન કરાતાં શિક્ષકો સહિતના કર્મચારીઓમાં આક્રોશ યથાવત્ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે કેટલાક શિક્ષકો સાથે તેમજ આંદોલનમાં જોડાયેલા કર્મચારીઓ સાથે થયેલી ચર્ચા મુજબ સરકાર દ્વારા સમયસર જૂની પેન્શન યોજનાનો ઠરાવ જાહેર કરવમાં નહીં આવો તો ફરી એકવાર આંદોલન કરવામાં આવશે. કારણ કે, સરકારે એક નહીં બે-બે વાર વાયદાઓ કર્યા બાદ આજદીન સુધી કોઈ નક્કી નિર્ણય કર્યો નથી.
જૂની પેન્શન યોજનાને લઈને લાંબા સમયથી શિક્ષકો દ્વારા લડત ચલાવવામાં આવી હતી. જેમાં આંદોલન સહિતના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા. જે અન્વયે વર્ષ-2022માં રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જિતુ વાઘાણી હતા ત્યારે પણ જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતના બે વર્ષ સુધી કોઈ જ ઠરાવ કરાયો ન હતો. આથી ફરી એકવાર શૈક્ષણિક સંગઠનો દ્વારા અવારનવાર ઠરાવને લઈને રજૂઆતો પણ કરી હતી અને આંદોલન પણ કર્યા હતા. સરકાર દ્વારા 1-4-2005ના વર્ષ પહેલાના સરકારી કર્મચારી, શિક્ષકો વગેરે સહિત 60 હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેની જાહેરાત 5 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. જાહેરાત કરાયા બાદ એક માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી ઠરાવ કરાયો ન હોવાથી શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળી તહેવાર પહેલા વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવનાર હતો, પરંતુ કેટલાક ઈશ્યુને લઈને ઠરાવ બહાર પાડવામાં આવ્યો નથી. જેમાં અમુક શિક્ષકો 1-4-2005 પહેલા નિમણુંક પામ્યા હતા અને ત્યારબાદ રહેમરાહે નોકરી મળેલા શિક્ષકોના કિસ્સાના ઈશ્યુ સામે આવ્યા છે. આ ઉપરાંત કોર્ટ ઈશ્યુ સહિતના કેટલાક ઈશ્યુને લઈને ઠરાવમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.