નેશનલ હાઇવેના કિનારે હવે ગેરકાયદે દબાણો કરવા, વેપારી પ્રવૃત્તિઓ માટે અથવા ગ્રામજનો દ્વારા અવર-જવર માટે ડિવાઇડર તોડી પાડવા મામલે સખત પગલાં ભરવામાં આવશે. હવે લાલિયાવાડી પણ નહીં ચાલે આ માટે નેશનલ હાઇવે ઓથોરિટી , પીડબલ્યુડીના અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.
આ મામલે પરિપત્ર બહાર પાડી દેવાયો છે. વધતા જતા અકસ્માતનોના બનાવોને જોતા રહી રહીને હવે સરકાર અને અધિકારીઓ જાગ્યા છે. હાઇવે ઓથોરિટીના અધિકારીના જણાવ્યા મુજબ, દબાણો અને વેપારી પ્રવૃત્તિઓ પર નજર રાખવા, નિરિક્ષણ અને નિવારણ માટે નવી નીતિ લાગુ કરવા જઇ રહી છે. જેના થકી સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી કરાશે. ઢાબા, હોટલો , દુકાનદારો પાસેથી દંડ પણ વસુલવામાં આવશે. નવી નીતિમાં દર મહિને સમીક્ષા કરવામાં આવશે અને રિપોર્ટ મંત્રાલય સુધી મોકલાશે. નેશનલ હાઇવે પર નક્કી કરેલી સીમામાં હોર્ડિંગ્સ ન લગાવવા, ગ્રામજનો દ્વારા અવર-જવર માટે હાઇવેના ડિવાઇડર તોડી રસ્તા બનાવી દેવા જેવી બાબતોમાં સખત પગલા પણ લેવામાં આવનાર છે. નોંધપાત્ર છેકે નેશનલ હાઇવે પર હોટલોવાળાઓ દ્વારા વેપારી પ્રવૃત્તિ માટે ડિવાઇડર તોડી નાંખી રસ્તો કરી દેવો, ગ્રામજનો દ્વારા પણ અવર-જવર માટે બારોબાર ડિવાઇટર કટ કરીને રસ્તાઓ કરી દેવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. હજુ મંગળવારે જ ચોટીલા પાસે નાની મોલડી ગામે હાઇવે પર ડિવાઇડર તોડી પાડી ગેરકાયદે રસ્તો બનાવી દેવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર મહિલાના મોત થયા હતાં.