અમદાવાદના સિંધુભવન રોડ પર પોલીસથી બચવા સ્પીડમાં કાર પોલીસ પર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરાની બોડકદેવ પોલીસે ધરપકડ કરી છે. આરોપી દંડથી બચવાના પ્રયાસમાં જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
પોલીસથી બચવા ગુનો કરનાર આવ્યો પોલીસના સકંજામાં
સિંધુભવન રોડ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કાળા રંગની મોંઘીદાટ કાર ત્યાંથી પસાર થઈ હતી, પોલીસ જવાનો દ્વારા કારને રોકવા માટે ઈશારો કરવામાં આવે છે, પરંતુ, ચાલક કારને બેફામ રીતે હંકારીને ભાગી જાય છે. ટ્રાફિક વચ્ચેથી ચાલક કારને જોખમી રીતે હંકારે છે અને પોલીસ પર ચઢાવવાનો પ્રયાસ કરે છે અને પછી ફરાર થઈ જાય છે. આ કાર ચાલક પ્રિન્સ ઠક્કરને પકડીને પોલીસે કસ્ટડી ધકેલ્યો છે. આ આરોપીએ પોલીસના ચેકીંગથી બચવા અને દંડ નહીં ભરવા બેફામ ડ્રાઈવિંગ કરીને પોલીસ કર્મચારીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. બોડકદેવ પોલીસે ગોતાથી આરોપી પ્રિન્સ ઠક્કરની ધરપકડ કરીને વર્ના કાર કબ્જે કરી છે.
અગાઉ પણ પોલીસે 20 હજાર દંડ વસૂલ્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા કાર ચાલક નરોડાનો રહેવાસી છે અને પિતા સાથે મળીને ગોળનો વેપાર કરે છે. દોઢ માસ પહેલા પ્રિન્સ ઠક્કર પોતાની વર્ના કાર લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થતો હતો, ત્યારે બ્લેક ફ્રેમ લગાવેલી હતી. પોલીસે ચેકીંગ કરવા તેની કાર અટકાવી હતી. તેની પાસે લાયસન્સ કે ગાડીનું ઈન્સ્યોરન્સ નહતો અને કારમાં બ્લેક ફ્રેમ પણ લગાવી હતી. જેથી પોલીસે કાર્યવાહી કરતા રૂપિયા 20 હજારનો દંડ ભરવો પડ્યો હતો. જેથી આરોપીએ પોલીસ ચેકીંગથી બચવા કારની આગળની નંબર પ્લેટ હટાવીને પોલીસની ગાડીની જેમ ડિઝાઈનર પટ્ટી લગાવી દીધી હતી. જેથી પોલીસ તેને અટકાવતી નહતી.
માનવ વધ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો
પરંતુ સિંધુભવન રોડ પર ચેકીંગ દરમ્યાન પોલીસે તેની ગાડી અટકાવતા ફરી 20 હજારનો દંડ ભરવો પડશે તેવું વિચારીને નાસવાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપીના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા અને કાર ચાલકે કરેલા ગુનાને લઈને તે પોલીસની માફી માગી રહ્યો છે. બોડકદેવ પોલીસે કાર ચાલક પ્રિન્સ ઠક્કરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ માનવ વધ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહીં. આરોપીએ પોતાની ગાડીમાં ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક ફ્રેમ બદલી કાઢી હતી. જેથી તેને મદદ કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે.