નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરી 2025માં લેવાનારી જેઈઈ મેઈન્સની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર કરેલા શિડયૂલ મુજબ જેઈઈ પરીક્ષાના સેશન 1ની પરીક્ષા 22થી 31 જાન્યુઆરી 2025 દરમિયાન અને સેશન 2ની પરીક્ષાઓ 1થી 8 એપ્રિલ 2025 દરમિયાન યોજાશે.
જેઈઈ સેશન 1 માટે વિદ્યાર્થીઓ 28 ઓક્ટોબરથી 22 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જાન્યુઆરી 2025માં યોજાનારી પરીક્ષાઓ માટે 3 દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. જોકે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં જ સિટી એલોટમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરી શકાશે. આ ઉપરાંત 2025માં યોજાનારી પરીક્ષાઓ 13 ભાષામાં યોજાશે. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, કન્નડ, પંજાબી, તામીલ, તેલુગુ તેમજ ઉર્દૂનો સમાવેશ થાય છે. આ સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મેઈન્સ પરીક્ષા માટે ઈન્ફોર્મેશન બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ jeemain.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકે છે.