સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તૈયાર કરાવેલ ઓડિટ રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરવા માટેની તા. 30 સપ્ટેમ્બરની મુદતમાં 7 દિવસનો વધારો કર્યો છે અને ઓડિટ રિપોર્ટ સુપરત કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
દેશના કેટલાંક ભાગોમાં વિનાશક પૂર, વીજળી ડૂલ થવા, ઈન્ટરનેટ કનેક્શનનો અભાવ, વગેરે સહિતના કારણોસર કેટલાંક કરદાતાઓ તા. 30 સપ્ટેમ્બર સુધીમાં ઓડીટ રીપોર્ટ અપલોડ- સુપરત કરી શક્યા ન હોવાથી તેમની સગવડતા માટે ઓડિટ રિપોર્ટ સુપરત કરવાની મુદત વધુ 7 દિવસ લંબાવીને તા. 7 ઓક્ટોબર, 2024 કરવામાં આવી છે. 1.50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારે ઓડિટ સાથેનું આઇટી રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. તે ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ રાજ્ય અને દેશના અનેક ઠેકાણે પૂર જેવી સ્થિતિ હોવાના લીધે અનેક વેપારીઓ સમયસર ઓડિટ સાથેનું રિટર્ન ફાઇલ કરી શકે તેમ નહોતા. આ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આ મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેને ધ્યાને રાખીને સીબીડીટીએ ઓડિટ સાથેનું આઇટી રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં એક સપ્તાહનો વધારો કરી આપવાનો નિર્ણય કર્યો છે.