મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણમાં મંગળવારે સવારે રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી, જેમાં મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલોના વિઝિટિંગ તબીબોના વેતનમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો/સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને લાભ મળશે.
સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલોના તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે અગાઉ અપાતા રૂ. 700થી રૂ. 900ના વેતનમાં વધારો થયો છે. પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂ. 3,000 તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશિયાલ્સિસ્ટ ડોકટરોને પ્રતિ દિન રૂ. 2,000 માનદ વેતન ચૂકવાશે. આ તબીબોએ રોજ લઘુતમ 3 કલાકની ફરજિયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડોકટરોને રૂ. 300થી 2,000 સુધીનું ઈન્સેન્ટીવ મળશે. સર્જરી દરમિયાન એનેસ્થેટિસ્ટની સેવાઓ માટે સર્જરીની અત્યારે જે પ્રોત્સાહક રકમ છે, તે રકમની 50 ટકા રકમ અલગથી એનેસ્થેટીસ્ટને અપાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ તજજ્ઞ ડોકટરો કોઇપણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેમને કોઇપણ લાભ મળવાપાત્ર રહેશે નહિ, રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ અથવા gmers સંચાલીત મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વીઝિટિંગ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને અગાઉ પ્રતિ ત્રણ કલાક માટે રૂ. 2,700 ચૂકવાતા હતા, હવે રોજના રૂ. 8,500, નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને દિવસના રૂ. 8,500 મુજબ ચૂકવવામાં આવશે.