સોના અને ચાંદીના ભાવ આસમાને છે અને તેના કારણે ગુરુપુષ્ય નક્ષત્રની જેમ ધનતેરસના દિવસે પણ જવેરી બજારમાં ખરીદીની ચમક ધીમી રહી હતી. ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે અને આજે ખરીદેલી કીમતી ધાતુને લોકો લક્ષ્મી પૂજાન માટે ઉપયોગ કરે છે.
જવેરીઓના જણાવ્યા પ્રમાણે, ભાવ વધારે હોવાથી વોલ્યુમમાં એટલે કે વજનની રીતે વેચાણ ઘટયું હતું પણ વેલ્યૂમાં વેચાણ ગત વર્ષ જેટલું જ રહ્યું હતું.માણેકચોક ચોકસી મહાજન એસોસિએશનના સેક્રેટરી હેમંત સથવારાએ કહ્યું કે, સોનાનો ભાવ વધુ હોવાને કારણે ચાંદીના સિક્કા અને લગડીની માંગ વધારે રહી હતી. દિવસની શરૂઆતમાં લોકો વધુ આવ્યા હતા જ્યારે બપોર બાદ ઘરાકી ઘટી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધનતેરસ 25-30% ફ્ક્કિી રહી છે. આજના દિવસે ગુજરાતમાં કુલ રૂ. 200-250 કરોડની આસપાસ સોના અને ચાંદીનું વેચાણ થયું હોવાનો અંદાજ છે.
હાલ સોનાનો ભાવ રૂ. 81,500 પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવ રૂ. 97,500 પ્રતિ કિલો છે. જ્વેલર્સના કહેવા પ્રમાણે 1 ગ્રામ સોનાના ભાવમાં 10 ગ્રામ ચાંદી આવી જાય છે એટલે ચાંદીની આઇટમો વધારે વેચાઈ હતી. લક્ષ્મીજીના સિક્કા, મૂર્તિઓ ડિમાન્ડમાં રહી હતી. આ ઉપરાંત રોકાણ કરવા હેતુ સોનાની અને ચાંદીની લગડીઓનું લેનારાઓ પણ હતા.
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જિગર સોની કહ્યું હતું કે, ધનતેરસના દિવસે મોટાભાગે પૂજન માટે સોના અને ચાંદીની ખરીદી કરવામાં આવે છે. અમદાવાદમાં રૂ. 30 કરોડનું સોનું વેચાયાનો અંદાજ છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ભાવ વધુ હોવાથી લોકોએ ઓછી ક્વોન્ટિટીમાં ખરીદી કરી હતી. વજનમાં વેચાણ ઓછું છે પણ વેલયુની રીતે ગત વર્ષ જેટલું જ વેચાણ છે.