ઉત્તર પશ્ચિમ ઝોનનાં નવા વિકસી રહેલાં વિસ્તારોમાં બની રહેલાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં વસતાં નાગરિકોને આગ- અકસ્માતની દુર્ઘટનાથી નાગરિકોનાં જાનમાલનાં રક્ષણ માટે ગોતામાં TP -56 –FP 240માં 26,003 ચો.મી. પ્લોટમા અંદાજે રૂ. 4 કરોડનાં ખર્ચે આધુનિક સાધનો સાથેનુ ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ્ ક્વાટર્સ બનાવવામાં આવશે.
આ હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં સર્જાતી દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી માટે ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકાય તે હેતુસર ગોતામાં નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. બહુમાળી ઇમારતોમાં ડેવલપર્સ દ્વારા તો ફાયર ફઇટીંગ સિસ્ટમ લગાવવામાં આવતી હોવા છતાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઉપરના માળે આગ લાગે ત્યારે મ્યુનિ. ફાયર બ્રિગેડ વિભાગના જવાનો સ્નોર સ્કેલ સહિતનાં આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી જાય છે.
ઉત્તર પશ્ચિમ ઝોન અને રીંગરોડ આસપાસ અનેક રહેણાંક તથા કોમર્શિયલ સ્કીમો બની છે અને બની રહી હોવાથી નાગરિકોને આગ જેવી દુર્ઘટનાથી બચાવવા માટે ફાયર બ્રિગેડનાં વાહનો સમયસર અને ઝડપથી પહોંચી શકે તે માટે ગોતા તરફ્નાં વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવું આવશ્યક છે. ગોતામાં ફાયર સ્ટેશન બનાવવા રૂ. 3.12 કરોડનો અંદાજ નક્કી કરાયો હતો અને તે માટે સિંગલ ટેન્ડર આવ્યું હોવાથી વિવાદ ન સર્જાય તે માટે સિંગલ ટેન્ડર રદ કરીને બીજી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું. તેમાંય એક કોન્ટ્રાક્ટર તેનાં ભાવમાં બે ટકાનો ઘટાડો કરવા તૈયાર ના થતાં કમિશનરે ટેન્ડર રદ કરાવ્યુ હતું. ત્રીજી વારનાં ટેન્ડરમાં પણ આ કોન્ટ્રાક્ટરે લાઇટખાતાનાં અંદાજ કરતાં 11.99 ટકા ઉંચો ભાવ ભર્યો હતો. છેવટે ચોથી વાર ટેન્ડર બહાર પાડયા હતા. એક જ કોન્ટ્રાક્ટરનુ પાંચ ટકા ઉંચા ભાવનુ 3.27 કરોડનુ ટેન્ડર આવ્યુ હતું. આ કોન્ટ્રાકટર સાથે વાટાઘાટ કરતાં તે 3.24 કરોડમાં કામ કરવા સંમત થયો હતો. આ ટેન્ડરમાં જીએસટી પેટે 49.52 લાખ રૂપિયા ગણવામાં આવ્યા છે. ઉલલેખનીય છે કે, અગમ્ય કારણોસર ગોતા ફાયર સ્ટેશનનાં કામમાં બે ચારને બાદ કરતાં કોઈએએ ટેન્ડર ભર્યા નહોતા.