શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના બંધ કરી બે ગણા પગાર અને ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે એ હેતુથી ગત વર્ષથી જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ હતી, પરંતુ સમગ્ર યોજનાના અમલીકરણમાં ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના બાળકોનું ભાવિ રોળાઈ ચૂક્યું હોવાના આક્ષેપ થયાં છે.
કારણ કે, જ્ઞાન સહાયક સમયસર નિમાતા નથી, નિમાય છે તો ખાલી જગ્યાના અડધા જ અને એમાંથી પણ હાજર થતા નથી. આ સંજોગોમાં સ્કૂલોને અન્ય કોઈ વિકલ્પ ન અપાતાં રાજ્યનાં શિક્ષણની ઘોર ખોદાઈ ચૂકી છે. હાલની સ્થિતિએ મળતી વિગતો મુજબ સ્કૂલોને પૂરતા જ્ઞાન સહાયક મળ્યા નથી અને મળ્યા છે એમાથી 50 ટકા હાજર થયા જ નથી. આ સંજોગોમાં હવે વિદ્યાર્થીઓ ભણ્યા વિના જ આગામી 15 દિવસમાં શરૂ થનારી શાળાકીય પરીક્ષા આપશે, જેમાં સારા અને યોગ્ય પરિણામની આશા કેવી રીતે રાખી શકાય તેવા સવાલો ઊઠયાં છે ?. કારણ કે, સ્કૂલોમાં શિક્ષકો જ નથી તો બાળકોને ભણાવે કોણ ?. જેથી ખાલી જગ્યા રહે ત્યાં જિલ્લામાંથી લાયકાત અને મેરીટના આધારે નિમણુકની સત્તા આપવી જોઈએ. મહત્ત્વની વાત તો એ છે કે, રાજ્યના બાળકોના ભાવિ સાથે રીતસરના ચેડાં થતાં હોવા છતાં કમિશનર ઓફ સ્કૂલની કચેરીમાં ભેદી મૌન ધારણ કરીને બેસી રહેનારા નિયામકના પેટનું પાણી પણ હલતું નથી. આમ શાળાઓની કચેરીના નિયામકના પાપે આજે ગુજરાતના હજારો ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને શિક્ષકો વિના વંચિત રહેવુ પડયું હોવાના આક્ષેપ થયાં છે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના અંદાજે 49 દિવસ બાદ શિક્ષકોની ખાલી પડેલી અંદાજે 7 હજારથી વધુ જગ્યામાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. અરજી કરવાની જાહેરાતથી હજુ સુધી ભરતીની સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ નથી. મળતી વિગતો મુજબ, જિલ્લાઓમાં જેટલા જગ્યા ખાલી હતી એના 50 ટકા જેટલી જ જ્ઞાન સહાયકો ફાળવાયા છે. એટલું જ નહીં, જે ફાળવાયા છે એમાંથી 50 ટકા તો હાજર પણ થતાં નથી. કારણ કે, ઉત્તર ગુજરાતના ઉમેદવારને દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારનો કચ્છમાં નંબર આવે તો રૂ.24 હજારની અને એમાય કરાર આધારીત નોકરી સ્વીકારવા ઉમેદવારો તૈયાર થતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. ગત વર્ષે પણ અનેક શાળાઓમાં જ્ઞાન સહાયક હાજર થયાં બાદ નોકરી છોડીને જતા રહ્યાં હતા.