બાર કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયાએ બે પરિપત્ર જારી કરી દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલ અને લો કોલેજોને ફ્રમાન જારી કર્યું છે કે, કાયદાકીય શિક્ષણ આપતી લો કોલેજોએ તેમની સાથે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસ કરવી પડશે અને વિદ્યાર્થીઓએ તેમની વિરુદ્ધ કોઈપણ એફ્આઈઆર અથવા ચાલુ ફોજદારી કેસ વિશે ઘોષણા કરવી પડશે.
એટલું જ નહી, જો વિદ્યાર્થી આવી હકીકત જાહેર કરવામાં નિષ્ફ્ળ જશે તો તેની ડિગ્રી અને માર્કશીટ રોકી દેવાશે. આવી ઘોષણા વિદ્યાર્થીએ કરવાની રહેશે અને તે પછી જ સંસ્થા ડિગ્રી અને માર્કશીટ જારી કરી શકશે. સ્ટેટ બાર કાઉન્સિલ પણ તે પછી જ તેની વકીલાતની નોંધણી કરી શકશે.
બાર કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, જે તે રાજયની સ્ટેટ બાર કાઉન્સિલે પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે નોંધણી ઇચ્છતા ઉમેદવારોએ તેના દ્વારા નિર્ધારિત નિર્દેશોનું ચુસ્તપણે પાલન કર્યું છે. બાર કાઉન્સિલ એ સુનિશ્ચિત કરશે કે લો સ્ટુડન્ટ્સના ગુનાહિત પૃભૂમિની તપાસ યોગ્ય રીતે હાથ ધરવામાં આવી છે અને કોઈ ગેરલાયક ઠરે તેવા રેકોર્ડ્સ અસ્તિત્વમાં નથી. તે પુષ્ટિ કરવાની રહેશે કે ઉમેદવારોએ તેમના કાનૂની શિક્ષણ દરમિયાન કોઈપણ એક સાથે ડિગ્રી પ્રોગ્રામ્સ, નિયમિત શૈક્ષણિક કાર્યક્રમો અથવા નોકરી-રોજગાર કે વ્યવસાયની સ્થિતિ વિશે જરૂરી ઘોષણાઓ કરી છે. વધુમાં બાર કાઉન્સિલે એ પણ ચકાસવું પડશે કે ઉમેદવારોએ ફરજિયાત હાજરીની આવશ્યકતા સહિતના બાર કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયાના નિયમો-શરતોની પૂર્તિ કરી છે.