બિલિયનર સ્ટ્રીટ અને મુમદપુરા રોડ પર તસ્કરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો ત્યારે મુમદપુરા રોડ પર કદમ બંગ્લોમાં રહેતા ગુલમહોર કલબના માલિકના બંગ્લામાં અજાણ્યા ત્રણ શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, કર્ણાવતી કલબની પાછળ આરજવા બંગ્લોમાં તસ્કરોએ એક મકાનમાંથી એન્ટીક ગન ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બન્ને ગુનામાં સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.
સરખેજના મુમદપુરા રોડ પર આવેલ કદમ બંગ્લોઝમાં અલ્પેશભાઇ પરિખ પરિવાર સાથે રહીને સાણંદ ખાતે ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કંટ્રી કલબ ધરાવે છે. અલ્પેશભાઇની માતા મીનાક્ષીબેન ગત, 27 સપ્ટેમ્બરે વહેલી સવારે ઉંઘમાંથી જાગ્યા ત્યારે બંગ્લામાં 3 અજાણ્યા શખ્સો હાજર હોવાથી તેમણે ચોર ચોર બૂમાબૂમ કરી હતી. જેથી અલ્પેશભાઇ સહિત પરિવારજનો જાગી જતા 3 શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. બીજી બાજુ, કર્ણાવતી એપ્રોચ રોડ પર આરજવા બંગ્લોમાં લતિકાબેન દાસ કેરટેકર તરીકે નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. ગત, 26 સપ્ટેમ્બરે રાતના 3.45 વાગ્યાની આસપાસ બંગ્લાના કિચનમાં જતા સામાન વિરેવિખેર પડેલો હતો. બીજી તરફ, હોલમાંથી શો માટે મૂકેલી એન્ટિક ગન ચોરી થયાનું સામે આવ્યુ હતુ. સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર વિરૂદ્ધમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.