વાહનવ્યવહાર વિભાગ ટેકનોલોજીની વાત કરે છે પણ વાહનના પ્રકાર બદલવા જેવા પ્રશ્નનું નિરાકરણ લાવતું નહીં હોવાથી આધેડથી લઈ સિનિયર સિટીઝનો વધુ પરેશાન થઇ રહ્યા છે. વાહનના પ્રકાર બદલવાનું સિસ્ટમમાં ઓપ્શન નહીં હોવાથી લોકો ગિયરવાળા વાહનનો ટેસ્ટ આપવા મજબૂર છે.
અગાઉ સ્કૂટર-બાઇક ચલાવનાર આધેડ અને સિનિયર સિટિઝનો હાલ એક્ટીવી ચલાવતા હોવા છતાં ગિયરલેસ લાઇસન્સ મેળવી શકતા નથી. લાઇસન્સ રીન્યુ વખતે પણ વાહનનો પ્રકાર બદલાતો નથી. ગિયરલેસ (એક્ટીવા) વાહનનું લાઇસન્સ મેળવવું હોય તો વાહન માલિકને કાચાથી લઇ ડ્રાઇવિંગ ટેસ્ટની સમગ્ર પ્રોસેસ નવી કરવાની સાથે ખર્ચ પણ ભોગવવો પડે છે. અમદાવાદની આરટીઓમાં રોજ 30થી વધુ અરજદારો અટવાય છે.
જો ગિયરવાળું લાઇસન્સ હોય તેઓ રીન્યુ કરાવવા જાય તો પણ વાહનનો પ્રકાર બદલાતો નથી. લાઇસન્સ હાલ ગિયરવાળા વાહનના માલિકનું લાઇસન્સ ખોવાઇ ગયું હોય તો ડુપ્લીકેટમાં પણ વાહનનો પ્રકાર બદલાતો નથી. લાઇસન્સ એક્સપાયર થયું હોય તો અગાઉના ગિરવાળા પાકાં લાઇસન્સ પરથી પરીક્ષા વગર નિકળતા કાચા લાઇસન્સમાં વાહનનો પ્રકાર ગિયરવાળું વાહન લખાયું હોવાથી ગિયરવાળા વાહનથી જ ડ્રાઇવીંગ ટેસ્ટ આપવો પડે છે. આ અંગે વાહન વ્યવહાર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, આ ટેક્નિકલ પ્રશ્ન છે. જેનું નિરાકરણ થવું જરૂરી છે. આ અંગે અગાઉ ચર્ચા પણ થઇ હતી.