મોબાઈલ ટાવર બનાવવાની ઓફર આપી ગઠિયા પાંચ કરોડની જમીનનો બાનાખત કરાવી ફરાર

0

[ad_1]

  • ટાવર નંખાવી દેવાની દલાલી પેટે 50 હજાર લેવા નહી આવતા તપાસ કરતા ભાંડો ફુટયો
  • એગ્રીમેન્ટના નામે પાંચ કરોડની જમીન 95 લાખમાં વેચાણ રાખી હોવાનો બાનાખત કરાવી લીધો
  • જમીનમાં ટાવર નાખવા માટે બે વર્ષમાં અઢી લાખનું ભાડુ આપવાની લાલચ આપી હતી 

ગાંધીનગરના પોર ગામે ખેડૂત સાથે ખેતરમાં ટાવર નાખવાનો એગ્રીમેન્ટ કરવાના બહાને બે ગઠિયા પાંચ કરોડની જમીનનો બાનાખત કરાવી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે બે ઈસમો સામે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ શખ્સોએ ખેડૂતને ટાવરના ભાડાની મોટી રકમની લાલચ આપીને ફસાવ્યો હતો. અને એગ્રીમેન્ટ કરવાના બહાને તેઓ બાનાખત કરાવી ગયા હતા.

આ સંદર્ભે છેતરપીંડીનો ભોગ બનેલા ખેડૂત જગદિશભાઇ ડાહ્યાભાઇ પટેલે અડાલજ પોલીસ મથકમા સાબરમતીમાં રહેતા મુકેશ મનહર પ્રજાપતિ અને ગેમર શાહર રબારી સામે ફરિયાદ નોંધાવી છે. જગદિશભાઇ પોર ગામના મુખીની ખડકી વિસ્તારમાં રહે છે. તેઓની પોર ગામે સર્વે નંબર 927 જમીન આવેલી છે. જે જમીનમાં તેમના ભાઇનો પણ હિસ્સો છે. પોતાના ભાગની જમીનમાં જગદિશભાઇએ રજકો વાવ્યો હતો. આ રજકો વેચાણે રાખવાના બહાને જગદિશભાઇને ફસાવવાનો પ્લાન ઘડાયો હતો. જગદિશભાઇ ખેતરે હતા ત્યારે એક્ટિવા પર એક શખ્સ આવ્યો હતો. તેણે ચારસો રૂપિયામાં રજકાનું પાળિયુ રાખ્યુ હતું. સોદો નક્કી થયા બાદ આ શખસ રજકો વાઢી ગયો હતો અને ચારસો રૂપિયા આપી ગયો હતો. ત્યારબાદ આ શખસે જગદિશભાઇનો વિશ્વાસ કેળવી જમીનમાં ટાવર નાખવાની ઓફર આપી હતી. આ માટે બે વર્ષમાં અઢી લાખનું ભાડુ આપવાની લાલચ આપી હતી. ઉંચુ ભાડુ જોઇને જગદિશભાઇ લલચાયા હતા. તેઓએ હા પાડતા આ શખસે એગ્રિમેન્ટ કરવુ પડશે પછી જ ભાડા અને ટાવર નાખવામાં આવશે તેમ કહ્યુ હતું. આ માટે તેણે જમીનના સાતબાર, આધારકાર્ડ, ફોટો, પાનકાર્ડની માંગણી કરી હતી. જગદિશભાઇ તૈયાર થયા હતા. ત્યારબાદ આ શખસ તેઓને એક્ટીવા પર બેસાડી આરટીઓ લઇ ગયા હતા. જ્યાં અગાઉથી જ ચાર પાંચ શખસો હાજર હતા. તેઓએ જગદિશભાઇ પાસે ટાવરના એગ્રિમેન્ટના નામે 13 અલગ અલગ પાનામાં સહિઓ કરાવી હતી. મોબાઇલમાં ફોટો પણ પાડયો હતો. આ પ્રક્રિયા બાદ ખેડૂતને ઉભાઉભા અઢી લાખનો ચેક આપવામા આવ્યો હતો. ઉપરોક્ત શખસ જગદિશભાઇને આ ચેક તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવલા બેંકે પણ લઇ ગયો હતો. જ્યાં ચેક જમા કરાવ્યા હતા. આ પુર્વે દલાલી પેટે જગદિશભાઇએ પચાસ હજાર આપવાનું નક્કી કર્યુ હતું. ચેક જમા થયા બાદ પૈસા આપશે તેમ કહીને બંને ત્યારબાદ છુટા પડયા હતા.

થોડા દિવસો બાદ પણ આ શખ્સ દલાલીના પૈસા લેવા નહી આવતા જગદિશભાઇને શંકા ગઇ હતી. તેઓએ જે ખાતાનો ચેક જમા થયો હતો તેનું એકાઉન્ટ અને નામ સરનામું મળવતા આ ચેક મુકેશ મનહર પ્રજાપતિના નામનો હોવાનું અને તે સાબરમતી રહેતો હોવાનું જણાયુ હતું. સાબરમતી જઇને તપાસ કરતા ત્યાં ગેમર શાહર રબારી હાજર હતો. તેણે આ જમીન મુકેશ પ્રજાપતિએ વેચાતી આપી હોવાનું જણાવ્યુ હતું. આથી પોતાની જમીન સાથે કોઇ મોટો ફ્રોડ થયો હોવાનું જણાતા જગદિશભાઇએ ન્યુઝપેપરમાં નોટિસ પ્રસિધ્ધ કરાવી હતી. જેમાં મુકેશ પ્રજાપતિએ વાંધો રજુ કરી જમીનના કાગળ રજુ કર્યા હતા. જે કાગળો જોતા જ જગદિશભાઇના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. આ કાગળો જમીનના બાનાખતના હતા. જેમાં જગદિશભાઇએ મુકેશ પ્રજાપતિને 95 લાખમાં ઉપરોક્ત જમીન વેચાણ આપી હોવાનો ઉલ્લેખ હતો. આ પૈકી અઢી લાખ બેંકમાં ચેક મારફત અને સાડા આઠ લાખ રોકડા આપ્યા હોવાનો ઉલ્લેખ હતો. સાથે સાક્ષી તરીકે ગેમરની સહિ હતી. જ્યારે બાનાખતમાં જગદિશભાઇ અને મુકેશ પ્રજાપતિના હાથના અંગુઠાના નિશાન હતા. પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતા તેઓએ આ મામલે ફરિયાદ કરી હતી. ત્યારબાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *