નાણા વિભાગની સૂચનાથી GPSCએ ભરતી રદ કરી છે,હિસાબી અધિકારીની 59 જગ્યા માટે ભરતી કરાઈ હતી સાથે સાથે અગાઉ ભરતીમાં કોઈ ઉત્તીર્ણ ન થતા લેવાઇ હતી પરીક્ષા,જીપીએસસીએ પરીક્ષા લીધા બાદ નાણા વિભાગે ભરતી રદ કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે ઉમેદવારોમાં નારાજગી સર્જાઈ છે.નાણાં વિભાગે જીપીએસસીને પત્ર લખીને તાત્કાલિક ભરતી પ્રક્રિયા રદ કરવાનું કહેતા જીપીએસસીએ તુરંત જ પ્રક્રિયા થંભાવી દીધી છે.
ગત વર્ષે આ પરીક્ષા લેવાઈ હતી
આ ભરતીમાં રાજ્યમાં નાણાં અને પંચાયત વિભાગ હસ્તક ફરજ બજાવતા વર્ગ-3ના હિસાબી સંવર્ગના કર્મચારીઓ કે જેઓએ ઓછામાં ઓછા પાંચ વર્ષ પૂરા કર્યા હોય તે લાયક ઉમેદવાર હતા. ગત વર્ષે આ પરીક્ષા લેવાઈ હતી પણ તેમાં ઉત્તીર્ણ થવા માટેના ન્યૂનતમ ગુણ મેળવનારા કોઇ ઉમેદવાર ન મળતા ફરીથી ભરતી પરીક્ષા લેવા નિર્ણય લેવાયો હતો.જેને લઈને જીપીએસસીને ફરી આ કામગીરી સોંપવામાં આવી હતી.જેઓએ 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન આ ભરતી પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેના પેપર ચેક કરવાની કામગીરી હજુ ચાલી રહી છે.
ઉમેદવારોમાં પણ નારાજગી જોવા મળી
આ પરીક્ષા રદ કરી નાખવાથી ઘણા ઉમેદવારો સાથે અન્યાય કરાયો છે તેઓના સપના તો રોળાયા છે જ પણ સાથે સાથે સરકારી નાણાં અને માનવ કલાકોનો પણ વ્યય થયો છે. કારણ કે, જીપીએસસીએ તો પરીક્ષા યોજવા માટે આયોજન કર્યું પણ ઉમેદવારોએ પણ પરીક્ષાની તૈયારી કરવા માટે પોતાનો કિંમતી સમય તેમાં આપ્યો છે.
જીપીએસસીના નવા ચેરમેન હસમુખ પટેલ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે વરિષ્ઠ આઈપીએસ અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેના આદેશો જાહેર કર્યા છે. તેઓએ GPSCના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આ નિમણૂકને કારણે ટૂંક સમયમાં આઈપીએસના પદ પરથી રાજીનામું આપશે, જેનાથી તેઓ GPSCની કામગીરીમાં વધુ એક્ટિવ રહી શકશે.