– બાળકો તેમજ મહિલાઓની પ્રથમ પસંદગી શિંગોડા
– ફકત શિયાળાની ઋતુ દરમિયાન જ જોવા મળતા ગુલાબી અને લીલી છાલવાળા શિંગોડા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ભાવનગર : શિયાળાની આરોગ્યવર્ધક ઋુતુમાં લીલાછમ્મ શાકભાજીની સાથે સુકામેવા જેવુ વિશેષ મહત્વ ધરાવતા સ્વાસ્થ્યવર્ધક ગણાવાતા શિંગોડાની પણ ખુબ જ માંગ રહેતી હોય ભાવનગર શહેરની મુખ્ય શાકમાર્કેટ ઉપરાંત શિવાજીસર્કલ, ભરતનગર, કાળીયાબીડ સહિતના વિવિધ પરા વિસ્તારોની શાકમાર્કેટમાં મળી પ્રતિદિન અંદાજે એકાદ હજારથી વધુ કિલો શિંગોડાનું આસાનીથી વેચાણ થઈ રહેલ છે. મહિલાઓની અનેક જટિલ વ્યાધિઓમાં ખુબ જ ઉપયોગી ગણાતા શિંગોડા શરીર માટે ઈમ્યુનિટિ પાવર સમાન છે.
વિવિધ ઋુતુમાં આવતા સીઝનલ ફળો અને શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ઋુતુ મુજબ અમુક ખાસ ફળ અથવા શાકભાજી ખાવાથી શરીરને પણ અનેક ફાયદાઓ થતા હોય છે. હાલ શિયાળાની ઋુતુ જામી રહી છે ત્યારે શિયાળાના અમૃત ફળ ગણાતા શિંગોડા અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર, માંસપેશીઓની નબળાઈ અને થાઈરોઈડ જેવી સમસ્યામાં કારગર છે. ત્યારે ભારતના બિહાર,પશ્ચિમ બંગાળ, ઓડીસા, ઝારખંડ અને ખાસ કરીને મધ્યપ્રદેશના જબલપુર સહિતના જિલ્લાઓના તળાવોમાં શિંગોડાની સૌથી વધારે ખેતી કરાય છે. ત્યાંથી ટ્રેન અને હેવીલોડેડ ટ્રક મારફત ગુજરાતમાં અમદાવાદ થઈને ભાવનગર સહિતના અન્ય જિલ્લા મથકોમાં કાચા શિંગોડાઓનો જંગી જથ્થો રવાના કરવામાં આવે છે. જે ભાવનગરમાં મુખ્ય શાકમાર્કેટ, માળીનો ટેકરો સહિતના અનેક વિસ્તારોમાં વિશાળકાય ગોડાઉન ધરાવતા જથ્થાબંધ વિક્રેતાઓ ખરીદી લઈ વહેલી સવારે આ કાચા શિંગોડાને ધગધગતા ગરમ પાણીમાં મીઠુ અને હિરાકસી નાખીને નિયત સમય સુધી ગરમ કરવામાં આવે છે. આ રીતે ૨૦ કિલો શિંગોડા બાફવામાં આવતા તેમાં અંદાજે ત્રણથી ચાર કિલોની ઘટ આવે છે તેમ શિંગોડાના એક સ્થાનિક વિક્રેતાએ જણાવીને વધુમાં ઉમેર્યુ હતુ કે, પ્રતિ વર્ષ દિવાળી પર્વ આસપાસ એટલે કે, ઓકટોબરથી નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં જ શકિતવર્ધક શિંગોડા બજારમાં ઉપલબ્ધ રહેતા હોય છે. આ શિંગોડાનું ગુજરાત રાજયમાં સૌથી વધુ અમદાવાદ, બરોડા બાદ ભાવનગરમાં વેચાણ થાય છે. જયારે જામનગર અને રાજકોટમાં તેનું નહિવત વેચાણ થાય છે. કાચા શિંગોડા ગુણવત્તા મુજબ રૂા ૩૦ આસપાસના કિલોના ભાવે મધ્યપ્રદેશમાંથી ખરીદી તેને બાફવામાં આવ્યા બાદ ભાવનગરમાં અંદાજે રૂા ૭૦ આસપાસના કિલોના ભાવે ફેરીયા, લારી,ટોપલાવાળાઓ તેમજ છુટક વિક્રેતાઓને વેચવામાં આવે છે. બાળકો તેમજ ખાસ કરીને મહિલાઓમાં શિંગોડા અતિ પ્રિય હોય શાકમાર્કેટ, પર્યટન સ્થળ, શૈક્ષણિક સંસ્થાઓ અથવા બાગ,બગીચા સર્કલ પાસે આસાનીથી ૫૦ થી વધુ કિલો શિંગોડા વિક્રેતાઓ દ્વારા આસાનીથી વેચાઈ જાય છે. ફકત શિયાળાની ઋુતુના ત્રણેક માસ દરમિયાન જ જોવા મળતા ગુલાબી અને લીલી છાલવાળા શિંગોડા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકાર માનવામાં આવે છે. રાજયમાં કેટલાક સ્થળે તો એકદમ પાકી છાલવાળા જ શિંગોડા બજારમાં વેચાઈ રહ્યા છે. શિંગોડાના ભાવ અંદાજે ૧૦ ટકા વધ્યા હોવા છતાં તેની ડિમાન્ડ અકબંધ રહેવા પામેલ છે.
ગુણકારી શિંગોડા
સ્ત્રી અને પુરૂષોના જાતીય રોગો માટે અત્યંત ગુણકારી ગણાતા શકિતવર્ધક શિંગોડામાં તમામ પોષક તત્વો, વિટામીન, પ્રોટીન, ચરબી અને શર્કરા વગેરે હોય છે. શિંગોડાના નિયમીત સેવનથી મહિલાઓના માસિક રકતસ્ત્રાવ આપમેળે નિયંત્રીત થઈ જાય છે. શિંગોડાના લોટનો શેરો ખાવાથી સ્ત્રીઓનો શ્વેતપ્રદર રોગ મટે છે, શરીર પુષ્ટ બને છે.શિંગોડાની રાબના સેવનથી ઝાડા, ચીકણા ઝાડા અને પ્રદર મટે છે. તેના સેવનથી કફ અને રકતસ્ત્રાવ મટે છે. પિત્ત પ્રકૃતિવાળાઓ માટે શિંગોડાની રાબ ખુબ જ ગુણકારી છે. ગર્ભવતી મહિલાઓને શિંગોડાના સેવનથી જરૂરી શકિત મળી રહે છે તે ગર્ભનું સુંદર રીતે પોષણ થતુ રહે છે.