ભાવનગરમાં નશાકારક કફસીરપનો જથ્થો ઝડપાયો છે. જેમાં ઘોઘારોડ પરના ચકુ તલાવડી પાસેથી જથ્થો ઝડપાયો છે. પોલીસે ભાવેશ મકવાણાની અટકાયત કરી છે. તેમજ 920 જેટલી કફ સીરપની બોટલો જપ્ત કરાઈ છે. ભરતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં હજુ મોટો નશાકારક કફસીરપનો જથ્થો ઝડપાવાની શક્યતાઓ છે.
ભરતનગર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો
શહેરમાં નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો છે. જેમાં શહેરના ઘોઘારોડ શીતળા માતાના મંદિર પાસે આવેલ ચકુ તલાવડી પાસેથી નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો છે. તેમાં ભાવેશ મકવાણા નામના આરોપી પોતાના ઘરે કફ સીરપનો જથ્થો રાખી વેચાણ કરતો હતો. તેમાં SOGની ટીમે બાતમી આધારે દરોડા પાડી કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમાં 920 જેટલી કફ સીરપની બોટલો સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે. તેમાં ભરતનગર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
કફ સિરપનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો
અગાઉ પણ ભાવનગરમાંથી યુવાધનને બરબાદ કરતા કોડેઈન કફ સિરપનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલ ડીલરને ત્યાં ડોક્ટરની મંજૂરી વગર કફ સિરપની બોટલો વેચીને ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. જોકે આ મેડિકલ એજન્સીથી માત્ર એક કિલોમીટરના અંતરે ભરતનગર પોલીસ સ્ટેશન આવેલું છે. જે હવે શંકાના દાયરામાં ઘેરાયું છે. કારણ કે શહેરમાં બેફામ કફ સિરપની બોટલોનું વેચાણ પોલીસના નાક નીચે વધી રહ્યું છે.
નશાકારક કફ સિરપની બોટલ વેચીને યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે
ભાવનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સીમાં મોટાપાયે કોડેઈન નામની કફ સિરપનો ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. જોકે આ કફ સિરપની બોટલથી ભાવનગરના યુવાઓ નશાના રવાડે ચડ્યા છે તે પણ સત્ય છે. પરંતુ આ કફ સિરપની બોટલ યુવાનો માટે ઘાતક સાબિત થઈ રહી છે તે નકારી શકાય નહીં. તાજેતરમાં ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જેમકે આણંદ નગર વિસ્તાર, કુંભારવાડા વિસ્તાર, કરચલીયા પરા, આડોડિયા વાસ, ચિત્રા સહિતના પાન મસાલાની દુકાનો પર પણ આસાનીથી ઉપલબ્ધ થાય તેવી કોડેઈન કફ સિરપની બોટલનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે. મેડિકલ શોપ અને દુકાનદારો માત્ર 150 રૂપિયાનું કમિશન મેળવવા માટે આ પ્રકારના નશાકારક કફ સિરપની બોટલ વેચીને યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે.