રાજયના ખેડૂતોને રવિ ઋતુમાં ખેતી અને બાગાયતી પાકો વિષે આધુનિક કૃષિ આધુનિકીકરણ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં તા. ૦૬/૧૨/૨૦૨૪ થી તા. ૦૭/૧૨/૨૦૨૪ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.
સમિતિની યોજાઈ બેઠક
જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આયોજનના ભાગરૂપે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ના આયોજનને લઈ તમામ તાલુકાઓમાં સ્થળ પસંદગી કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને આધુનિક તાંત્રિકતાઓ અને નવીનતમ ટેક્નોલોજીની માહિતી મળી રહે તે માટે કૃષિ પ્રદર્શન સ્ટોલ રાખવાનું તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત કૃષિ મહોત્સવ દરમિયાન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંગે કલેક્ટર તમામ અધિકારીશ્રીઓને કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું.
અધિકારીઓ રહ્યાં હાજર
બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ અને તાલીમ), નાયબ બાગાયત નિયામકશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિકશ્રી, જિલ્લા રજીસ્ટારશ્રી તેમજ લાઈન ડિપાર્ટમેંટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વરોજગારમાં વધારો
બોટાદ નગરપાલિકા અને ઇન્ડિયન બેન્કના સંયુક્ત ઉપક્રમે પી.એમ.સ્વનિધિ યોજના અન્વયે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા ફેરિયાઓએ ભાગ લીધો હતો. બેંક મેનેજરશ્રી દ્વારા સરકારશ્રીની શહેરી ફેરિયાઓ માટે વિકસાવેલી યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ધિરાણ મેળવનારા લાભાર્થીઓની પ્રોફાઈલ કરી અન્ય ૮ યોજનાઓનો લાભ મળશે. આમ, ઇન્ડિયન બેન્કના સહયોગથી હાલ આશરે ૭૦ જેટલી લોન સક્રિય છે ફેરીયાઓને લોન મળતા સ્વરોજગારમાં વધારો થાય છે.