એન્ટાર્કટિકામાં બરફની 1,550 ચોરસ કિલોમીટરની વિરાટ પાટ તૂટી ગઇ

0

[ad_1]

Updated: Jan 31st, 2023


– બરફની પાટનું કદ લંડન શહેરના વિસ્તાર જેટલું  છે

– એમ્પરર પેન્ગ્વિન્સની વિશાળ વસાહતનું અસ્તિત્વ જોખમમાં : આ ઘટના એન્ટાર્કટિકાના શુદ્ધ પર્યાવરણ સામે રેડ સિગ્નલ ગણાય 

લંડન/ મુંબઇ : પૃથ્વીના  સૌથી ઠંડાગાર અને વિશાળ બરફીલા ખંડ એન્ટાર્કટિકામાં ૧,૫૫૦ ચોરસ કિલોમીટર(૬૦૦  ચોરસ માઇલ)ની બરફની  વિરાટકાય પાટ  તેની    મુખ્ય   છાજલી(આઇસ શેલ્ફ)માંથી   છૂટી પડી  ગઇ હોવાના ચિંતાજનક સમાચાર વહેતા થયા છે.૧,૫૫૦ ચોરસ કિલોમીટરની બરફની આ મહામોટી પાટ ૨૦૧૩ની ૨૨, જાન્યુઆરી, રવિવારે  તેની મુખ્ય બ્રન્ટ આઇસ શેલ્ફમાંથી છૂટી પડી   ગઇ  છે.  બ્રન્ટ આઇસ  શેલ્ફ એન્ટાર્કટિકાના વેડ્ડેલ સી ની પૂર્વ દિશામાં આવેલી છે. 

બરફની આ વિશાળ   પાટ તૂટી પડવાની ઘટના બ્રિટનના એન્ટાર્કટિકાના હેલ્લી  રિસર્ચ સ્ટેશનથી ફકત  ૨૦ કિલોમીટરના અંતરે જ બની છે. વિજ્ઞાનીઓના કહેવા  મુજબ  બરફની આ મહામોટી પાટનું કદ લંડન શહેરના  વિસ્તાર જેટલું છે.

 બ્રિટનના આ સંશોધન મથકનાં સત્તાવાર સૂત્રોએ   સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આ ભારે ચિંતાજનક ઘટનાથી અમારા સંશોધન કેન્દ્રને  કોઇ નુકસાન નથી થયું. સાથોસાથ અમારા બધા ૨૧ વિજ્ઞાનીઓ પણ સંપૂર્ણ સલામત છે. 

બીજીબાજુ એન્ટાર્કટિકા વિશે ગહન સંશોધન અને અભ્યાસ કરતા વિજ્ઞાનીઓએ એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે એન્ટાર્કટિકામાં  થીજી ગયેલા  બરફનું  આટલું વિશાળ કદનું ચોસલું તૂટી પડયું હોવાથી બ્રન્ટ આઇસ શેલ્ફના અને તેની નજીકના વિસ્તારમાં રહેતાં અસંખ્ય  એમ્પરર પેન્ગ્વિન્સની વસાહતને ગંભીર  નુકસાન થવાનું જોખમ ખરું. આ વિશાળ પરિસરમાં એમ્પરર પેન્ગ્વિન્સ કંઇ કેટલીય સદીઓથી વસે છે. 

બ્રિટનના એન્ટાર્કટિકાના હેલ્લી રિસર્ચ સેન્ટરનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે આમ તો અમે  ઘણા સમયથી   બ્રન્ટ આઇસ શેલ્ફમાં   પડેલી નાની તિરાડ અને તેમાં    થઇ રહેલી અકળ ગતિવિધિનો સતત અભ્યાસ કરતા  હતા.  બરફની વિશાળ પાટ બ્રન્ટ આઇસ શેલ્ફના જે હિસ્સામાંથી  છૂટી પડી ગઇ છે તે ભાગ લગભગ ૧૫૦-૨૦૦ મીટર(૪૫૦થી ૬૦૦ ફૂટ) જેટલો  જાડો અને ઘટ્ટ  છે.

ઇન્ડિયન  ઇન્સ્ટિટયુટ ઓફ જીઓમેગ્નેટિઝમ(આઇ.આઇ.જી.)ના ભૂતૂપૂર્વ સિનિયર વિજ્ઞાની અને  એન્ટાર્કટિકાના ભારતના કાયમી  સંશોધન મથક ભારતીમાં ૧૦ વખત જઇ આવેલા અજય ધરે   ગુજરાત સમાચારને  કહ્યું હતું કે ૧,૫૫૦ ચોરસ કિલોમીટરનું  વિરાટ કદનું બરફનું ચોસલું તેની મુખ્ય આઇસ શેલ્ફમાંથી તૂટીને  છૂટું પડી જાય તે ઘટના એન્ટાર્કટિકાના ભવિષ્ય માટે ખરેખર બહુ ચિંતાજનક કહેવાય. અગાઉ પણ  બરફની આવી  મોટી પાટ છૂટી પડી ગઇ હતી. આવી ગંભીર ઘટના ખરેખર તો એન્ટાર્કટિકાના કુદરતી અને સંપૂર્ણ શુદ્ધ પર્યાવરણ અને તેની વિશાળ-સુંદર  જીવ સૃષ્ટિના  અસ્તિત્વ માટે ભારે જોખમી કહેવાય.આ ઘટના વિશે એન્ટાર્કટિકાના ભારત સહિત અન્ય દેશનાં સંશોધન મથકના વિજ્ઞાનીઓ સુક્ષ્મ અભ્યાસ કરી રહ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *