Fire in Wadi Police Station : વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ગઈ મોડી સાંજે દુકાનમાં આગ લાગ્યા બાદ આજે વહેલી સવારે દુકાનને અડીને આવેલા વાડી પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.
ગેંડીગેટ દરવાજા પાસે આવેલા વાડી પોલીસ સ્ટેશન ને અડીને આવેલી બ્રાન્ડેડ કંપનીના ગાદલા ની દુકાનમાં ગઈકાલે સાંજે આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. ચારે બાજુ ટ્રાફિક જામ થઈ જતા પોલીસ મદદથી આવી હતી અને દોઢથી બે કલાકની જહેમત બાદ રાત્રે 9 વાગ્યાના અરસામાં આગ કાબુમાં લીધી હતી.
ઉપરોક્ત બનાવ બાદ આજે સવારે વાડી પોલીસ સ્ટેશન ના બીજા માળે આવેલા રેકોર્ડ રૂમમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ગઈકાલે આગનો બનાવ બન્યા બાદ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોવા છતાં આજે આગ લાગતા આશ્ચર્ય થયું હતું.
ફાયર બ્રિગેડનું માનવું છે કે ગઈકાલે લાગેલી આગને કારણે દીવાલો ગરમ થઈ ગઈ હોવાથી આખી રાત હિટિંગને કારણે દિવાલ અડીને આવેલી રેકોર્ડ રૂમની ફાઈલો સળગી ગઈ હતી. આ રૂમમાં થયેલા નુકસાનની વિગતો પોલીસ એકત્રિત કરી રહી છે.