– નૂતન વર્ષાભિનંદન સાથે મહેમાનોને કહેજો, ‘મધુર ૨૦૮૧’
– બહારનાં રાજ્યો અને વિદેશમાં પણ રાજકોટના મુખવાસની ડિમાન્ડ, ચોકલેટ માટે કોર્પોરેટ કંપનીઓના એડવાન્સ ઓર્ડર
રાજકોટ : બજારમાં ચારે તરફ ખરીદીના જામેલા માહોલમાં દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી મુખવાસ અને ચોકલેટની ખરીદી પણ ધમાધમી રહી છે.
મુખવાસ બજારમાં રૂપિયા ૩૦૦થી ૧૮૦૦ પ્રતિકિલોના ભાવે અલગ અલગ વેરાયટીના આશરે ૧૩૦ મુખવાસ ઉપલબૃધ છે. દિવાળી પર નવા મુખવાસની માગ કરતા ગ્રાહકો માટે આ વખતે ઠંડાઇમાં કેસર પિસ્તા તેમજ ઓરેન્જ, ડ્રાયફ્ટમાં માવા રબડી, સ્ટ્રોબેરી ડ્રાયફ્ટ, મેંગો ડ્રાયફ્ટ સહિતની વેરાયટી છે. આ સાથે બનારસી મીઠા પાન,ડ્રાય પાન, કેરીની ગોટલીનો મુખવાસ, ઇમલી ચોકલેટ અને આમળાનો મુખવાસ સહિતની વૈવિધ્યપૂર્ણ વેરાયટીના વિકલ્પો છે. વેપારી સમીરભાઇ શેખ જણાવે છે કે, રાજકોટવાસીઓ સ્વાદના શોખીન હોવાથી જામનગરી મુખવાસ, ગોટલી ધાણાદાળ, ગુલકંદ મુખવાસ, ઠંડાઇ તેમજ લખનવી મુખવાસ વધુ પસંદ કરે છે. તહેવારના સમયે રાજકોટના મુખવાસ સ્પેશિયલ અમેરિકા અને દુબઇ પણ લઇ જવામાં આવે છે. વરીયાળી અને સોપારીનાં ભાવ વધવાને કારણે આ વર્ષે મુખવાસમાં ૧૫ ટકાનો ભાવ વધારો થયો છે. છતાં પણ નિયમિત દિવસોની સાપેક્ષમાં તહેવારના સમયે મુખવાસનું વેચાણ પાંચથી સાત ગણુ થઈ જતું હોય છે.
દિવાળીની ખરીદીનાં માહોલમાં હાલનાં સમયે ચોકલેટની પણ ખાસ ખરીદી થતી હોય છે. બજારમાં આશરે ૧૦૦ વેરાયટીમાં ચોકલેટ મળી રહી છે. તેમાં પણ રેગ્યુલર, સુગર ફ્રી, ડાર્ક, બેલ્જિયમ અને વ્હાઇટ સહિતના વિકલ્પો ગ્રાહકોને આપવામાં આવે છે. રૂપિયા ૬૦૦થી શરૂ થઇ ૧૮૦૦ સુધીનાં ભાવ હોય છે. આ વખતે કોકોબીન્સનું ઉત્પાદન ઓછું હોવાને કારણે ચોકલેટનાં સ્લેબમાંથી તૈયાર થતી ઘરઘરાઉ ચોકલેટમાં ૨૦ ટકાનો ભાવવધારો થયો છે, છતાં પણ તહેવાર હોવાથી સારી એવી ઘરાકીની આશા પણ સેવાઇ રહી છે. આ વખતે હેઝલનટ ક્રન્ચ અને વ્હાઇટ ચોકલેટમાં પીસ્તાની નવી વેરાયટી ચોકલેટ બજારમાં આવી છે. પ્રીમિયમ ગ્રાહકો ચોકલેટમાં આલ્મંડ હેઝલ નટ, ક્રેનબેરી કાનવલ, ડ્રાયફ્ટ લોડેડ, ડ્રાયફ્ટ ચોકલેટ, આલ્મંડ બટરસ્કોચ, નટેલા, ઓરીઓ, બેરીઝ (મિક્સ) અને ગુલકંદ જ્યારે કે બજેટ ફ્રેન્ડ્લી ગ્રાહકો પ્લેન, ક્રેકલ અને ડ્રાયફ્ટ ચોકલેટની ખરીદી કરવી પસંદ કરે છે. જેઓ જીમ એક્ટિવીટીમાં માનતા હોય છે તેમના માટે ખાસ હેલૃધી ચોકલેટ ગ્રેનોલા તૈયાર કરવામાં આવે છે. રાજકોટનાં આંગણે તૈયાર થતી ચોકલેટના ઓર્ડરને પહોંચી વળવા માટે બે ત્રણ મહિના પૂર્વેથી તૈયારી શરૂ કરવી પડે છે. કલરફૂલ પેપરમાં વીંટાળી, રિબિન કે ફૂલના શણગાર સાથે અલગ અલગ સાઇઝના અને અવનવી ડિઝાઇનના ખાસ બોક્સ આૃથવા તો દિવાળી નિમિત્તે તૈયાર થયેલા ખાસ બોક્સની બનાવટમાં ચોકલેટ પેક કરવામાં આવે છે. કોર્પોરેટ કંપનીઓ બે મહિના પૂર્વે ચોકલેટની ખરીદી માટે એડવાન્સ ઓર્ડર આપી દેતી હોય છે. જાણીને નવાઇ લાગશે કે દિવાળીની મોડી રાત સુધી ખરીદી થયા બાદ બજારો સામાન્ય રીતે બંધ રહેતી હોય છે પણ છૂટાછવાયા ગ્રાહકો ઘરઆંગણે તૈયાર થતી ચોકલેટની ખરીદી લાભપાંચમ સુધી કરતા હોય છે. વિક્રેતા દક્ષાબેન પટણી જણાવે છે કે, આમ તો દિવાળી અને નવા વર્ષના મીઠાઇથી મોં મીઠા કરાવવામાં આવતા હોય છે પણ ચોકલેટની ખરીદીને જોતા ટ્રેન્ડમાં બદલાવ આવતો હોવાનું જોવા મળતા મીઠાઇનું સૃથાન ચોકલેટે લીધું હોય તેવું જણાઇ રહ્યું છે. જેઓ મીઠાઇ પસંદ કરે છે તે મીઠાઇ લે છે પણ જેમને નવું જોઇતું હોય તેવો ઘણો મોટો વર્ગ ચોકલેટમાં રૂપાંતરિત થયો છે. તેમાં પણ હવે ચોકલેટના બૂકે પણ ગ્રાહકો ઓર્ડરથી આપતા હોય છે પણ ચોકલેટની સાપેક્ષમાં ચોકલેટનાં બૂકેની ખરીદી ઘણી ઓછી રહે છે. ઉપરાંત, ચોકલેટ મેકર ખુશ્બુ ગોસ્વામી કહે છે કે ફટાકડાના આકારની બોમ્બ ચોકલેટ, શંભુ, ચકરી, રોકેટ, પેન્સિલ બોમ્બ વગેરે ચોકલેટ પણ બાળકોની પસંદ બની રહી છે.
મુંબઈ, દિલ્હી, રાજસ્થાન અને કોલકાતાને પણ રાજકોટનાં મીઠા સ્વાદનો મુખવાસ દાઢે વળગ્યો
પહેલા મુખવાસની ખરીદી થતી અને હાલ જે ખરીદી થાય છે તેમાં ઘણો બદલાવ જોવા મળે છે. કેટલાક ગ્રાહકો તેમના ટેસ્ટ અનુસાર કસ્ટમાઇઝ પણ કરાવતા હોય છે. વેપારી કેતનભાઇ ભાનુશાળી જણાવે છે કે, પહેલા બહારથી આપણે ત્યાં મુખવાસ આવતા પણ હવે ઉલટી ગંગા વહી રહી છે. મીઠા સ્વાદ ધરાવતા રાજકોટનાં મુખવાસ સૌથી વધુ મુંબઇ, દિલ્હી, રાજસૃથાન તેમજ કોલકત્તામાં હોશેહોશે મગાવાય છે. કોલકત્તામાં પાન પ્રકારની વેરાયટીનાં મુખવાસની માગ વધારે રહે છે. કલકત્તી પાન, બનારસી પાન, પાન ફલેવરની ખારેક, મિન્ટ ફ્લેવરની ખારેક કોલકત્તા અને મહારાષ્ટ્રમાં વધુ જાય છે.
રાજકોટમાં ચોકલેટનો ગળ્યો સ્વાદ પણ અન્ય રાજ્યો કે શહેરમાં બિટર ટેસ્ટનો ચસકો
રાજકોટની સ્વાદપ્રિય જનતા ચોકલેટમાં ગળ્યો સ્વાદ વધુ પસંદ કરતી હોવાથી ગુલકંદ, ડ્રાયફ્ટ, ક્રેનબેરી, હેઝલનટ, વ્હાઇટ ચોકલેટમાં પીસ્તાનું વેચાણ સારું છે. રાજકોટમાં બનતી ચોકલેટ માટે કાનપુર, બોમ્બે, પૂના અને જામનગરથી પણ ખાસ ઓર્ડર આવતા હોય છે. બહારના ઓર્ડરમાં બિટર ટેસ્ટ વધુ પસંદ થતો હોવાથી ગ્રાહકો જે પ્રકારે ફ્લેવર સૂચવે તે સ્વાદ ઉમેરી ચોકલેટ તૈયાર કરવામાં આવે છે.