ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિકના કૌભાંડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કાર્તિકે સાંતેજની પાર્ક લેન્ડ એવન્યુ સોસાયટીના હિસાબોમાં ગોટાળા કર્યા છે,સોસાયટીના પ્લોટ પર કાર્તિક પટેલે 9.90 કરોડની મોર્ગેજ લોન લીધી છે સાથે સાથે પાર્ક લેન્ડ સોસાયટીનું વિભાજન કરી 10 સોસાયટી અસ્તિત્વમાં આવી હતી તો કાર્તિક પટેલે અમુક સોસાયટીની જમીન પર મોર્ગેજ લોન લીધી હોવાની વાત સામે આવી છે,વર્ષ 2018-2019ના ઓડિટ રિપોર્ટમાં ગોટાળા છતા નવી 10 સોસાયટીને મંજૂરી અપાઈ.
પ્લોટ ગેરકાયદેસર રીતે વેચાણ કર્યા
કાર્તિક પટેલે પાર્ક લેન્ડ એવન્યુ સોસાયટીના અમુક પ્લોટ ગેરકાયદે રીતે વેચવામાં આવ્યા હતા સાથે સાથે કાર્તિક પટેલે જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી હતી તો વર્ષ 2018-2019ના ઓડિટ રિપોર્ટમાં કાર્તિક પટેલના નામે 4.09 કરોડની લોન પણ હોવાની વાત સામે આવી છે,વર્ષ 2019-2020ના ઓડિટ રિપોર્ટમાં 50 લાખની ખોટ બતાવવામાં આવી હતી,સોસાયટીના જૂના સભ્યોએ ફરિયાદ કરતા વિગતો સામે આવી છે.મૂળ મંડળીનો સભ્ય ન હોવા છતા કાર્તિક પટેલે લોન લીધી હતી અને ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારે તપાસના પણ આદેશ આપ્યા હતા તો યોગ્ય તપાસ ન થતાં સોસાયટીના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આરોપી કાર્તિક પટેલ હજી ફરાર
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં નાસતા ફરતા આરોપી ચેરમેન ડો.કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીમાં શહેર ક્રાઈમબ્રાન્ચ દ્રારા સોગંદનામું રજૂ કરી આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન નહીં આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ તરફથી એવો મોટો ખુલાસો કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો હતો કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલ દ્વારા જ માર્કેટીંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા અને વધુમાં વધુ અમદાવાદ શહેર અને તેની આસપાસના ગામડાઓના વિસ્તારોના ક્લીનીક્સના ડોક્ટર્સનો સંપર્ક કરી PMJAY કાર્ડધારક વ્યક્તિઓને મોટી સંખ્યામાં સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરાતું હતું.
પ્રોહેબિશન એક્ટ અંતર્ગત ધરપકડ બાકી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી કાર્તિક પટેલને આગોતરા જામીન આપવા વિરુદ્ધ કોર્ટમાં રજૂઆત કરી છે કે, તેની પ્રોહેબિશન એક્ટ અંતર્ગત ધરપકડ બાકી છે. હોસ્પિટલના નામે મોટી લોન લેવામાં આવી છે. હોસ્પિટલને ખોટ કરતી બતાવવામાં આવી છે. હોસ્પિટલના માધ્યમથી નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું છે.