અલ્લુ અર્જુનની આજે હૈદરાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓને નીચલી કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી લેવાયા છે. જો કે હાઇકોર્ટમાં થોડી વારમાં જ જામીન અરજી પર સુનાવણી કરાશે. અલ્લુ અર્જુનને નીચલી અદાલતે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. મહત્વનું છે કે પુષ્પા 2 ફિલ્મના પ્રિમીયરમાં થયેલી ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું. આ પ્રિમીયરમાં અલ્લુ અર્જુન પણ હતો. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નીચલી કોર્ટમાં કરાયો રજૂ
તેલંગાણા હાઈકોર્ટના જજ જુવ્વડી શ્રીદેવીની કોર્ટમાં અલ્લુ અર્જુન કેસની સુનાવણી શરૂ થઈ ગઈ હતી. કોર્ટે સવાલ પૂછ્યો કે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? આ અંગે સરકારી વકીલે રિમાન્ડ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, બચાવ પક્ષના વકીલે કોર્ટને જાણ કરી કે તેમને આજે ટેલિફોનિક સૂચનાઓ મળી છે જેમાં જણાવ્યું કે અભિનેતા અલ્લુ અર્જુનને પણ રિમાન્ડ પર લેવાયા છે.
પોલીસે અમને નાસ્તો પણ પૂરો કરવા દીધો ન હતોઃ અલ્લુ અર્જુન
સૂત્રોને ટાંકીને અહેવાલ મળ્યા છે કે અલ્લુ અર્જુને ધરપકડની રીત સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે પોલીસે તેને નાસ્તો પણ પૂરો કરવા દીધો ન હતો અને બેડરૂમમાંથી સીધા તેની ધરપકડ કરી હતી. તેને કપડાં બદલવાની તક પણ આપવામાં આવી ન હતી. હાલ આ મામલે હાઇકોર્ટમાં જામીન અંગે સુનાવણી ચાલી રહી છે. અભિનેતા અલ્લુ અર્જુન ટ્રાયલ કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીના આદેશ સામે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.