રાજકોટમાં ઘરફોડ ચોરી કરતા બંટી બબલીને પોલીસે ઝડપ્યા છે. LCB ઝોન 2ની ટીમે ઘરફોડ ચોરી કરતા બંટી બબલીની ધરપકડ કરી છે. એલસીબીની ટીમે આંતર રાજ્ય ઘરફોડ ચોરી ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 17, કર્ણાટકમાં 11 ગુના
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં ઘર ફોડ ચોરીનો બનાવ બન્યો હતો. ગત 23 ડિસેમ્બરના રોજ દંપતી વિદેશ ફરવા ગયું હતું અને ત્યારબાદ તેમના ઘરમાં રૂપિયા 13 લાખથી વધુ રકમની ચોરી થઈ હતી. એલસીબીની ટીમે મૂળ મહારાષ્ટ્રના અજીત ધનગર અને તેની પ્રેમિકા મૂળ બેંગલુરુની નિગમમાં એમેટીની માધાપર ચોકડી પાસેથી ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અજિત વિરૂદ્ધ મહારાષ્ટ્રમાં 17, કર્ણાટકમાં 11 મળીને કુલ 28 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.
LCB ટીમે કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
આ બંને આરોપીઓ સવારમાં બંધ મકાનોની રેકી કરતા અને રાત્રે તે મકાનને નિશાન બનાવતો હતા, પહેલી વખત જ પ્રેમિકાને લઈ રાજકોટમાં ચોરીને અંજામ આપ્યો અને થોડા જ દિવસમાં LCBએ બંનેને ઝડપી લીધા છે. આ બંને આરોપીઓ પાસેથી LCB ઝોન 2ની ટીમે વિદેશી ચલણી નોટો, સોના ચાંદીના દાગીના મળીને રૂપિયા 17 લાખથી વધુની રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.