જ્યુબેલી ગ્રાઉન્ડથી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી રસ્તા ખુલ્લા કરાવી
નગર પાલિકા દ્વારા ૧૮ થી ૨૦ જેટલી કેબીનો, રેંકડીઓ કબ્જે કરાઈ : અમુક લારી ગલ્લા અને કેબિન ધારકો સ્વૈચ્છિક રીતે ખસી ગયા
ભુજ : આજરોજ ભુજ નગર પાલિકા દ્વારા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના જ્યુબેલી સર્કલથી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી રોડની બન્ને બાજુએ ખડકાયેલા કાચા પાકા દબાણો દુર કરી માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા દબાણો હટાવવા અંગે દબાણકારોને નોટીશ પાઠવવામાં આવી હતી. જે અંતર્ગત આજે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ૧૮થી ૨૦ જેટલી કેબીનો, રેકડીઓ કબ્જે કરવામાં આવી હતી.
ભુજના જ્યુબેલી સર્કલ થી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી રોડની બન્ને બાજુએ લારી ગલ્લા અને કેબિન ધારકો દ્વારા દબાણો કરી લેવામાં આવ્યા હતા. જેને લઈ ભુજ નગર પાલિકા દ્વારા દબાણકારોને નોટીશ પાઠવી દબાણો દુર કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો હતો. આ માર્ગ પર દબાણકારોએ કાચા ભુંગા પણ બનાવી લેવામાં આવ્યા હતા.અને સમગ્ર ફુટપાથ પર અડિંગો જમાવી બેઠા હતા. જે દબાણો દુર કરવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રોટેક્શન સાથે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભુજ નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દબાણ શાખાના વિરેન ગોરે માહિતી આપતા જણાવ્યું હતું કે,ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ થી જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના દબાણકારોને નોટીશ પાઠવવામાં આવી હતી. જે નોટીશ મુજબ આજે પોલિસ પ્રોટેક્શન સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન રોડની બન્ને સાઈડ ગેર કાયદેસર રીતે દબાણ કરી ઉભેલા કેબિનો, લારી ગલ્લાને દુર કરાયા હતા. જેમાંથી પાંચ થી છ જેટલી કેબીનો જે રજીસ્ટર્ડ હતી તે સિવાયની૧૮ થી ૨૦ કેબીનોને જપ્ત કરવામાં આવી છે. જે તમામ ગેરકાયદેસર અને અનરજીસ્ટર્ડ હતી તેમની કેબીનો જપ્ત કરવામાં આવી છે. રોડની સાઈડમાં કાચા પાકા ભુંગાઓ તેમજ છાપરાઓ ઉતારી લેવામાં આવ્યા હતા. અને સમગ્ર માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.નોટીશ આપવાના પગલે અમુક કેબિન ધારકો સ્વેચ્છાએ ખસી ગયા હતા.
દબાણ હટાવવાની આ કાર્યવાહી અંગે શેરી ફેરીયા સંગઠન અને કોંગ્રેસી કાર્યકર અંજલી ગોરે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ અંગે સંગઠનના મહંમદ લાખાએ જણાવ્યું હતું કે, એક બાજુ સરકાર દ્વારા પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત દસ હજાર રૂપીયાની લોન લારી ગલ્લા અને કેબીન ધારકોને આપી રહી છે. બીજીબાજુ પાલિકા દ્વારા કેબિનો, લારી ગલ્લા જપ્ત કરી કાર્યવાહી કરી કેબીન ધારકોને બેરોજગાર કરવામાં આવી રહ્યા છે.હવે એ જ લારી ધારકો ધંધા વિના લોન કેવી રીતે ભરપાઈ કરશે? તે પ્રશ્ન ઉભો થયો છે.આવનારા સમયમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
ભુજ નગર પાલિકા દ્વારા દબાણ હટાવવાની જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈ માર્ગો મોકળા થયા હતા. ત્યારે જાગૃત નાગરીકોએ નગરપાલીકાની કામગીરીને વખાણી હતી. અને આવનારા સમયમાં ફરીથી દબાણો ન થાય અને દબાણ કારો સરકારી જમીન પર અડિંગો જમાવે નહિં તે માટે નગર પાલિકા જાગૃત રહે તેવી ટકોર પણ કરવામાં આવી હતી.