PM Modi visit Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંન્ચેઝ આવી રહ્યા છે ત્યારે તેની ગણતરીના કલાકો અગાઉ શહેરના તમામ જાહેર રોડ રસ્તા ઉપર કેટલાય વખતથી બંધ હાલતમાં પડી રહેલા 150 થી વધુ વાહનોને પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઊંચકી લેવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ ગોબરી ગંધાતી કુદરતી કાંસને ઢાંકવા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દીવાલો ઊભી કરી દેવાઇ અને ગંદકીની બદબુ ન આવે માટે જંતુ નાશક દવાઓનો છંટકાવ કરવા મંડાયો છે.
ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહિનામાં ચોમાસાની ઋતુમાં શહેરમાં બે વાર પુર આવ્યું હતું. જળમગ્ન થયેલા શહેરમાં હજી કેટલીય જગ્યાએ અગાઉ ભરાયેલા પૂરના પાણી બાદની સાફ સફાઈ યોગ્ય રીતે થઈ નથી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગણતરીના કલાકો બાદ વડોદરાના મહેમાન બનશે. પરિણામે શહેરના તમામ રોડ રસ્તાની સફાઈ છેલ્લા કેટલાય દિવસથી શરૂ કરાય છે અને ચારે બાજુ રોડ રસ્તા, ડિવાઇડરો અને તેના પરના વૃક્ષો તથા છોડ પર રંગબેરંગી લાઈટના તોરણ લગાવી દઈને રોશનીથી જળહળ કરી દેવાયા છે.
આ ઉપરાંત મહેમાનોના રોડ શો પર આવતા કુદરતી કાંસની તૂટી ગયેલી દીવાલો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા બનાવી દેવામાં આવી છે. તથા ગોબરા ગંધાતા કાંસની બદબૂ ના આવે એવા ઇરાદે તંત્ર દ્વારા સતત જંતુઘ્ન દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે બીજી બાજુ ‘સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ’ શહેરમાં ચારે બાજુના જાહેર રોડ રસ્તા પર ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ભારદારી વાહનો છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં પડી રહ્યા છે. આવા તમામ વાહનો ટ્રાફિક વ્યવસ્થામાં બાધારૂપ બને છે. પરંતુ વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન ગણતરીના કલાકો બાદ શહેરના મહેમાન બની રહ્યા છે ત્યારે આગામી ત્રણ દિવસ બાદ આવી રહ્યા છે. પરિણામે જાહેર રોડ રસ્તા પર બંધ હાલતમાં પડી રહેલા તમામ પ્રકારના વાહનોને પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખસેડીને રોડ રસ્તા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે.