157 નગરપાલિકાઓમાં દેવાળુ ફૂંકાયું, પાણી-વીજબિલના 1,160 કરોડ બાકી

0

[ad_1]

  • ગુજરાત સરકારનું દેવું રૂપિયા 3,00,963 કરોડને પાર થયું
  • રૂ.623 કરોડના પ્રોપર્ટી ટેક્સમાંથી માંડ રૂ.228 કરોડની જ વસૂલાત થઈ
  • દરેક પાલિકામાં એક TP સ્કીમ, CMએ ગ્રાન્ટ મંજૂરીની સત્તા માટે સમિતિ રચી
ગુજરાત સરકારનું દેવુ રૂપિયા 3,00,963 કરોડને પાર થયુ છે અને એ જ રસ્તે હવે રાજ્યની 157 નગરપાલિકાઓનો વહિવટ આગળ વધી રહ્યો છે. પાલિકાઓના નરમ વહિવટને પરિણામે પાણી અને વીજળી બીલનું બાકી લ્હેણું રૂપિયા 1,160 કરોડે પહોંચ્યુ છે. જો, ગુજરાત સરકાર દ્વારા પાલિકાઓને ચૂકવાતી સહાય બંધ કરી દેવાય તો આ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ વણસે તેવી હાલત હોવાનું ચિત્ર ઉપસ્યુ છે.
મહાત્મા મંદિરમાં ગુરૂવારે રાજ્યની તમામ નગરપાલિકાઓના પદાધિકારી અને ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્કલેવ મળી હતી. જેમાં 157 શહેરી સંસ્થાની આર્થિક સ્થિતિ પરત્વે શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રસ્તૃત પ્રેઝન્ટેશનમાં ઉપરોક્ત ચિત્ર ઉઘાડુ થયુ હતુ. હાલમાં 157 નગરપાલિકાઓને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાણી પુરૂ પાડે છે. વોટર ચાર્જિસ પેટે સરકારના આ બોર્ડને રૂપિયા 610 કરોડ લેવાના બાકી નિકળે છે. જ્યારે સ્ટ્રીટ લાઈટ સહિત વીજ વપરાશ પેટે રૂપિયા 550 કરોડનું બીલ વિવિધ ઉર્જા કંપનીઓને લેવાનું થાય છે. નગરપાલિકાઓ પોતાના શહેરોમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલાત પણ કડકાઈ પૂર્વક કરી શકતી નથી. પ્રાપ્ત માહિતી મુજબ પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.623 કરોડની સામે માંડ રૂ.228 કરોડની જ વસૂલાત થઈ રહી છે. આ સ્થિતિમાં દેવાળું ફુંકાય અને પાણી અને વીજ કનેક્શન કાપી ન દેવાય તેના માટે સરકાર પોતે સીધી ગ્રાન્ટમાંથી જ પાલિકાઓ વતી બીલ ચૂકવીને વહિવટનું સંતુલન કરી રહી છે. આથી, તમામ પાલિકાઓને કડકાઈ પૂર્વક વસૂલાત, આવકના નવા સ્ત્રોત ઉભા કરવા, વેરાના વર્ષો જૂના દરો વધારવા મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ સુચના આપી છે. હવે સરકારની આ સુચનાનો કેટલો અમલ થાય છે તેના પર સૌની નજર છે.

દરેક પાલિકામાં એક TP સ્કીમ, CMએ ગ્રાન્ટ મંજૂરીની સત્તા માટે સમિતિ રચી

નગરપાલિકાઓના પદાધિકારી અને ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્કલેવને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક પાલિકામાં એક ટાઉન પ્લાનિંગ સ્કિમ બનાવવા જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે, પાલિકાઓ પોતાના નગરોના વિકાસના કામો માટે વધારાના નાણાં આયોજિત કરવાની સાથે શહેરમાં સુખાકારી અને જનસુવિધા વૃધ્ધિના કામો હાથ ધરે તેના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોન્કલેવ પહેલા જ મુખ્યમંત્રીએ 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામોની તાંત્રિક અને વહિવટી મંજૂરી માટે પાલિકાકક્ષાએ સમિતિ રચીને નાણાકીય સત્તાઓ વહેંચ્યા હતા. સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે તેમણે ચીફ ઓફિસરના અધ્યક્ષપદે સમિતિ રચવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે અનુસાર અ વર્ગની પાલિકાઓની સમિતિને રૂપિયા 50 લાખ, બ- વર્ગની પાલિકાને 40 લાખ, ક- વર્ગને રૂ.30 લાખ અને ડ- વર્ગની પાલિકા રૂ.20 લાખ સુધીના કામો સમિતિ મારફતે મંજૂર કરાવી વિકાસની રફ્તાર વધારી શકશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *